કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને સમગ્ર વિપક્ષ રાજનીતિ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે હું 2019થી કહી રહ્યો છું કે CAA લાગુ કરવામાં આવશે.
ગૃહમંત્રીએ ફરી એકવાર લઘુમતી સમુદાયને આશ્વાસન આપ્યું કે CAA કોઈની નાગરિકતા છીનવવા માટે નથી, પરંતુ નાગરિકતા આપવા માટે છે. તેમણે કહ્યું કે અખંડ ભારતનો હિસ્સો એવા તમામ લોકોને નાગરિકતા આપવામાં આવશે.

ગૃહમંત્રી અમિત શાહે ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ મામલે ખોટો હોબાળો થઈ રહ્યો છે તેઓએ વિપક્ષો પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેઓ માત્ર વોટ બેંકને પૂરા કરવા માટે નિવેદનો આપી રહ્યા છે. અમિત શાહે કહ્યું કે વિપક્ષો જે કહે છે તે પૂરા ન કરવાનો ઈતિહાસ છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ભાજપે જે પણ કહ્યું છે તે પથ્થરની લકીર બની જાય છે અને મોદીજીની દરેક ગેરંટી પૂરી થઈ છે.
ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું,કે ‘ઓવૈસી, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ જુઠ્ઠાણાની રાજનીતિ કરી રહી છે.

ભાજપે 2019માં પોતાના મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે તે CAA લાવશે અને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના શરણાર્થીઓને નાગરિકતા આપશે.

ગૃહમંત્રીએ કહ્યું, ‘2019માં જ સંસદમાં CAA પસાર કરવામાં આવ્યો હતો, પરંતુ કોવિડને કારણે તેના અમલમાં વિલંબ થયો હતો.
વિપક્ષ તુષ્ટિકરણની રાજનીતિ કરીને પોતાની વોટબેંકને મજબૂત કરવા માંગે છે.
દેશના લોકો જાણે છે કે CAA આ દેશનો કાયદો છે.
મેં છેલ્લા 4 વર્ષમાં 41 વખત કહ્યું છે કે ચૂંટણી પહેલા તેનો અમલ કરવામાં આવશે.
ગૃહમંત્રી અમિત શાહને પૂછવામાં આવ્યું કે વિપક્ષનો આરોપ છે કે ભાજપ CAA દ્વારા નવી વોટ બેંક બનાવી રહી છે.
આ સવાલ પર અમિત શાહે કહ્યું કે, ‘વિપક્ષ પાસે બીજું કોઈ કામ નથી, તેઓએ તો એમ પણ કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક કરવામાં ભાજપને રાજકીય ફાયદો છે? શું આપણે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી ન કરવી જોઈએ?
તેમણે એમ પણ કહ્યું હતું કે કલમ 370 હટાવવાની બાબત પણ અમારા રાજકીય ફાયદા માટે હતી?
બીજેપીના વચનોને યાદ કરાવતા તેમણે વધુમાં કહ્યું કે, ‘અમે 1950થી કહી રહ્યા છીએ કે અમે કલમ 370 હટાવીશું. વિપક્ષ જે કહે છે તે ન કરવાનો ઈતિહાસ છે. મોદીજીનો ઈતિહાસ છે કે બીજેપી કે પીએમ મોદીએ જે કંઈ પણ કહ્યું તે કરી બતાવ્યું છે અને મોદીજી એ આપેલી દરેક ગેરંટી પૂરી થઈ છે.
CAA નોટિફિકેશન જાહેર થયા બાદ એવી ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે કે આના કારણે લોકો તેમની નાગરિકતા ગુમાવશે. અમિત શાહે ફરી એકવાર આ મૂંઝવણ સાફ કરી દીધી છે. તેમણે કહ્યું, ‘લઘુમતીઓ અથવા અન્ય કોઈ વ્યક્તિએ ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે CAAમાં કોઈની નાગરિકતા છીનવી લેવાની કોઈ જોગવાઈ નથી.
CAA માત્ર અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિંદુ, બૌદ્ધ, જૈન, શીખ, ખ્રિસ્તી અને પારસી શરણાર્થીઓને અધિકાર અને નાગરિકતા આપવા માટેનો કાયદો છે.

ઈન્ટરવ્યુ દરમિયાન ગૃહમંત્રીને પૂછવામાં આવ્યું કે આંતરરાષ્ટ્રીય મીડિયામાં CAAને ‘મુસ્લિમ વિરોધી’ કાયદો કહેવામાં આવી રહ્યો છે, તમે આના પર શું કહેશો? અમિત શાહે કહ્યું, ‘તમે આ કાયદાને અલગ કરીને ન જોઈ શકો. હકીકતમાં જ્યારે 1947માં ધર્મના આધારે વિભાજન થયું ત્યારે કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે જે લોકો સ્થળાંતર કરી ગયા છે તેઓ ગમે ત્યારે પાછા આવી શકે છે. પરંતુ તુષ્ટિકરણની રાજનીતિને કારણે કોંગ્રેસે ક્યારેય પોતાનું વચન પૂરું કર્યું નથી પરંતુ આજે પીએમ મોદીએ તે પૂર્ણ કરી દીધું છે.
અમિત શાહે કહ્યું, ‘જ્યારે વિભાજન થયું ત્યારે પાકિસ્તાનમાં 23% હિંદુ અને શીખ હતા, પરંતુ હવે તેમાંથી માત્ર 3.7% જ બચ્યા છે. એ બધા ક્યાં ગયા? તેઓ અહીં પાછા ફર્યા નથી. તેઓને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરવામાં આવ્યું, તેમનું અપમાન કરવામાં આવ્યું, તેમને બીજા વર્ગનો દરજ્જો આપવામાં આવ્યો. તેઓ ક્યાં જશે? શું સંસદ તેમના વિશે વિચારશે નહીં?
તેમણે કહ્યું, ‘જો હું બાંગ્લાદેશની જ વાત કરું તો 1951માં અહીં હિન્દુઓની વસ્તી 22 ટકા હતી, પરંતુ આજે તે ઘટીને 10 ટકા થઈ ગઈ છે. એ લોકો ક્યાં ગયા?’
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘મુસલમાનોને પણ નાગરિકતા માટે અરજી કરવાનો અધિકાર છે. દરવાજા કોઈના માટે બંધ કરવામાં આવ્યા નથી. આ ખાસ એક્ટ એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે લોકો કોઈપણ દસ્તાવેજ વગર આવ્યા છે. જેમની પાસે દસ્તાવેજો નથી તેમના માટે અમે રસ્તો શોધીશું, પરંતુ જેની પાસે દસ્તાવેજો છે તેમની સંખ્યા 85 ટકા છે. તેમના માટે કોઈ સમય મર્યાદા નથી.
તેમણે કહ્યું, ‘નાગરિકતા માટેની અરજીમાં સમય લાગી શકે છે. ઉપલબ્ધ સમય અનુસાર ભારત સરકાર તમને ઇન્ટરવ્યુ માટે બોલાવશે. દસ્તાવેજોનું ઓડિટ કર્યા પછી સરકાર તમને બોલાવશે અને પછી ઇન્ટરવ્યુ થશે.
15 ઓગસ્ટ 1947 થી 31 ડિસેમ્બર 2014 વચ્ચે આવેલા તમામ લોકોનું અહીં સ્વાગત છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે શરણાર્થીઓને નાગરિકતા આપવાથી ચોરી અને બળાત્કારના મામલા વધશે આ અંગે અમિત શાહે કહ્યું કે, ‘દિલ્હીના મુખ્યપ્રધાન જ્યારથી તેમનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે ત્યારથી તેમનો ગુસ્સો વધી ગયો છે.
તેઓ જાણતા નથી કે આ બધા લોકો પહેલેથી જ ભારતમાં રહે છે. જો તેઓ આટલા જ ચિંતિત છે તો તેઓ બાંગ્લાદેશી ઘૂસણખોરોની વાત કેમ નથી કરતા કે રોહિંગ્યાઓનો વિરોધ કેમ નથી કરતા? તેઓ વોટ બેંકની રાજનીતિ કરી રહ્યા છે. તે વિભાજનની પૃષ્ઠભૂમિ ભૂલી ગયા છે અને તેમણે શરણાર્થી પરિવારોને મળવું જોઈએ.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને ચાલી રહેલા રાજકારણને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે મમતા બેનર્જી શરણાર્થીઓ અને ઘૂસણખોરો વચ્ચેનો તફાવત નથી જાણતા. વિપક્ષને ઘેરતા અમિત શાહે કહ્યું કે વિપક્ષ પાસે કોઈ કામ નથી, તેઓ જે કહે છે તે કરતા નથી. ભાજપ જે કહે છે તે કરી બતાવવાનો ઈતિહાસ ધરાવે છે.

સીએએ નોટિફિકેશન પર પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીની ટિપ્પણી પર અમિત શાહે કહ્યું, તે દિવસ દૂર નથી જ્યારે ભાજપ ત્યાં (પશ્ચિમ બંગાળ) સત્તામાં આવશે અને ઘૂસણખોરી બંધ કરશે.
જો તમે આ પ્રકારની રાજનીતિ કરશો અને તુષ્ટિકરણની રાજનીતિ કરીને રાષ્ટ્રીય સુરક્ષાના આવા મહત્વપૂર્ણ મુદ્દા પર ઘૂસણખોરી કરશો અને શરણાર્થીઓને નાગરિકતા આપવાનો વિરોધ કરશો તો જનતા તમારી સાથે રહેશે નહીં. મમતા બેનર્જી આશ્રય લેનાર વ્યક્તિ અને ઘૂસણખોર વચ્ચેનો તફાવત જાણતા નથી.

જ્યારે ગૃહમંત્રીને પૂછવામાં આવ્યું કે શું CAA આવવાથી આદિવાસી વિસ્તારોના બંધારણમાં ફેરફાર કરશે? આના પર તેમણે કહ્યું, ‘જરા પણ નહીં. CAA આદિવાસી વિસ્તારોના બંધારણ અને અધિકારોને બદલશે નહીં કે નબળા પાડશે નહીં.

અમે એક્ટમાં જ જોગવાઈ કરી છે કે જ્યાં પણ ઈનર લાઈન પરમિટ છે અને જે વિસ્તારો બંધારણની 6ઠ્ઠી અનુસૂચિમાં સામેલ છે, ત્યાં CAA લાગુ થશે નહીં.
તે વિસ્તારોમાં સરનામાં સાથેની અરજીઓ એપ પર અપલોડ કરવામાં આવશે નહીં. અમે તેને એપમાંથી કાઢી નાખ્યું છે.

રાહુલ ગાંધી દ્વારા CAA પર સવાલ ઉઠાવવા અંગે અમિત શાહે કહ્યું કે તેમણે લોકોની વચ્ચે જઈને સમજાવવું જોઈએ કે CAA શા માટે દેશની વિરુદ્ધ છે,જેમ આપણે સમજાવીએ છીએ કે આ લોકોના હિત માટે છે. જ્યારે વિદેશી મીડિયા દ્વારા ટ્રિપલ તલાક, CAA અને કલમ 370 પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે વિદેશી મીડિયાને પૂછવું જોઈએ કે શું તેમના દેશમાં ટ્રિપલ તલાક, મુસ્લિમ પર્સનલ લો, કલમ 370 જેવી જોગવાઈઓ છે?