⅔ પેટ્રોલ પમ્પ ઇંધણ વિનાના બન્યા, ડિપાર્ટમેન્ટ સ્ટોર ખાલીખમ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
વિકસિત દેશોમાં આ પ્રકારે સ્થિતિ વણસી જાય તેની ક્યારેય કોઈએ કલ્પના નહીં કરી હોય પરંતુ ગ્રેટ બ્રિટન તેનું તાજુ ઉદાહરણ છે જ્યાં ડ્રાઇવરની અછતને પગલે દેશમાં કટોકટી જેવો માહોલ સર્જાયો છે. આશરે 2/3 પેટ્રોલ પંપ્સના ગળા સુકાઈ જાય? આ વાત સાંભળવામાં ભલે વિચિત્ર લાગે પરંતુ બ્રિટનમાં હાલ આવી જ સ્થિતિ પ્રવર્તી રહી છે. ટ્રક જેવા વાહનોના ચાલક ન હોવાથી નાના સપ્લાય વાહનો પર તમામ બોજો આવી ગયો છે તથા ઈંધણના સપ્લાય પર તેની નકારાત્મક અસર પડી છે.
સ્ટોર ખાલી થઈ ગયા, સપ્લાય ચેન અટકી પડી
વાહનોમાં ફ્યુઅલ ભરાવવા માટે પેટ્રોલ પંપ પર ભીડ જામી રહી છે. પેટ્રોલ પંપની બહાર વાહનોની લાંબી લાઈન લાગી છે. સપ્લાય વ્યવસ્થા ખોરવાઈ જવાના કારણે અનેક દુકાનોમાં ખાવા-પીવાની સામગ્રીની તંગી સર્જાઈ છે. અનેક ડિપાર્ટમેન્ટલ સ્ટોર ખાલી પડ્યા છે અને લોકો ખાલી હાથે પાછા ફરી રહ્યા છે. તે સિવાય જ્યાં સામાન છે ત્યાં ડરના માર્યા લોકો ખૂબ વધારે પડતી ખરીદી કરી રહ્યા છે. સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે, પેટ્રોલ સંકટનો સામનો કરવા માટે બ્રિટન સરકાર હવે સેનાની મદદ લઈ રહી છે. સેનાના જવાનોને તૈયાર રહેવા અને જરૂર પડ્યે આ કામ કરવા માટે કહેવામાં આવ્યું છે.
આ સ્થિતિ સર્જાવાનું કારણ ?
બ્રિટન જેવા વિકસિત અને સાધન સંપન્ન દેશમાં આવી સ્થિતિ સર્જાવાનું કારણ જાણવું જરૂરી છે. બ્રિટનની ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના કહેવા પ્રમાણે છેલ્લા એક વર્ષમાં દેશમાં ભારે વાહન ચલાવતા ડ્રાઈવર્સની સંખ્યામાં 70,000 જેટલો ઘટાડો આવ્યો છે. ડ્રાઈવરની આ તંગી વિસ્ફોટ સ્તરે પહોંચી છે. હાલ દેશમાં માંગ અને પુરવઠાના ચક્રને સંતુલિત કરવા માટે વધારાના એક લાખ ડ્રાઈવર્સની જરૂર છે. લાંબા લોકડાઉન અને યાત્રા પ્રતિબંધોના કારણે અનેક વિદેશી ડ્રાઈવર્સે દેશ છોડી દીધો છે.
કામચલાઉ વિઝા અપાઇ રહ્યા છે
એવી સ્થિતિ સર્જાઈ છે કે, બ્રિટન સરકાર ભારે વાહન ચલાવવા માટે 5,000 વિદેશી ડ્રાઈવર્સને કામચલાઉ વીઝા આપીને 3 મહિના માટે બ્રિટન બોલાવી રહી છે.