અમદાવાદ સીમ્સ હોસ્પિટલમાં ૧૦ નિષ્ણાંત તબીબોની ૫ કલાકની સખત મહેનતના પરિણામે હાર્ટ સર્જરી સફળ બની, બ્રેઇનડેડ રાહુલભાઇનું હાર્ટ હવે વડોદરાના વ્યક્તિમાં ધબકશે
માર્ગ અકસ્માતમાં રાકેશ સોલંકી ગંભીર રીતે થયા હતા ઘાયલ, અંગદાનમાં હૃદય, બે કિડની અને લીવરનું દાન મળ્યું, સંપૂર્ણ આશા છોડી દેનારા વડોદરાના યુવાનને મળ્યું નવું જીવન
નમસ્કાર ગુજરાત ન્યુઝ. અમદાવાદ
વડોદરા (Vadodara)ના ૫૩ વર્ષના પુરુષ દર્દીની ૧૯ વર્ષની પીડાનો આખરે અંત આવ્યો છે. વર્ષ ૨૦૦૩ થી હૃદયની તકલીફથી પીડાઇ રહેલા દર્દી અંગદાનમાં મળેલા હૃદય થી આખરે પીડામુક્ત બન્યા છે. આ દર્દીએ વર્ષ ૨૦૦૩માં હૃદયના ડબલ વાલ્વની સર્જરી કરાવી હતી. સમય જતા દર્દીનું હૃદય નબળું પડવા લાગ્યું. છેલ્લા કેટલાય સમયથી આ દર્દીનું હૃદય ફક્ત ૧૦ ટકા જ કામ કરી રહ્યું હતુ. દર્દી પોતાનું જીવન કાર્યક્ષમ બનશે અને તે લાંબુ જીવી શકશે તેવી આશા સંપૂર્ણપણે છોડી ચૂક્યા હતા. ત્યાં એકાએક તેમના જીવનમાં આશાનું કિરણ ઉગ્યું. આજે તારીખ ૧૬ મી જુલાઇની સવારે ત્રણ વાગ્યે સિવિલ હોસ્પિટલમાં ૩૫ વર્ષના બ્રેઇનડેડ અંગદાતા રાહુલ સોલંકી (Rahul Solanki)ના અંગદાન (Organ Donation) માં મળેલા હૃદયના પ્રત્યારોપણ થી આ દર્દીને નવજીવન મળ્યું.
માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા રાહુલ સોલંકી
સમગ્ર વિગત એવી છે કે, અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષના રાહુલભાઇ સોલંકીને ૧૦ મી જુલાઇના રોજ માર્ગ અકસ્માત થતા સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેઓની સ્થિતિ ગંભીર બનતા આઇ.સી.યુ.માં ખસેડવામાં આવ્યા. જ્યાં તબીબોની ૫ દિવસની અથાગ મહેનત બાદ પણ આખરે ઇશ્વરને મંજુર હતુ તે જ થયું. તબીબો દ્વારા રાહુલભાઇને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. રાહુલભાઇને બ્રેઇનડેડ જાહેર કરાતા તબીબો દ્વારા પરિવારજનોને અંગદાન માટે પ્રેરણા આપવામાં આવી.
બ્રેઇનડેડ યુવાનના પરિવારનો પોલીસ વિભાગ સાથે નાતો
રાહુલભાઇના પરિવારના મોટા ભાગના સદસ્યો પોલીસમાં સેવા આપી ચૂક્યા છે.રાહુલભાઇ પોતે પણ સરકારી નોકરી મેળવીને દેશ સેવાના સ્વપ્ન સેવી રહ્યા હતા. સેવાભાવી પરિવારજનોએ બ્રેઇનડેડ રત્નના મૃત્યુ બાદ પણ અન્યને મદદરૂપ બનવાના સેવાભાવ સાથે અંગદાન માટે સંમતિ દર્શાવી. જેના પરિણામે રાહુલભાઇના હૃદય, બે કિડની અને એક લીવરનું દાન મળ્યું. રાહુલભાઇના અંગદાનમાં મળેલા હૃદયને ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ માટે લઇ જવામાં આવ્યા.
અમદાવાદ સીમ્સમાં 5 કલાકની સફળ હાર્ટ સર્જરી
સીમ્સ હોસ્પિટલમા દાખલ વડોદરાના ૫૩ વર્ષના પુરુષ દર્દીની ૫ કલાકની સફળ સર્જરીના અંતે સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં આવ્યું. સીમ્સ હોસ્પિટલમાં તબીબો દ્વારા જણાવ્યા મુજબ આ સર્જરી અત્યંત પડકારજનક બની રહી હતી. દર્દીની ડબલ વાલ્વ રીપ્લેસમેન્ટ સર્જરી થઇ હોવાના પરિણામે રીડુ પ્રકારની આ સર્જરી અત્યંત પડકારભરેલી બની રહી. ૧૦ તબીબોની ટીમના અથાગ પરિશ્રમના પરિણામે આ સર્જરીમાં સફળતા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હૃદય પ્રત્યારોપણ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પણ રૂ. ૭.૫ લાખની સહાય મળી છે.
અમદાવાદ સિવિલની પ્રશંસનીય રીટ્રાઇવલ કામગીરી
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંગોના રીટ્રાઇવલ માટેની ટીમ સતત કર્તવ્યનિષ્ઠા સાથે જીવ થી જીવ બચાવવાના સેવાયજ્ઞમાં ફરજરત છે. રાહુલભાઇના અંગોના રીટ્રાઇવલની કામગીરી સવારે ૩ વાગ્યે શરૂ થઇ હતી. ૬ થી ૭ કલાકના અથાગ પરિશ્રમ બાદ બે કિડની, એક લીવર અને હૃદયનું દાન મળ્યું છે.