હાલમાં ફરી એકવાર કોરોનાએ વિશ્વમાં ઉથલો માર્યો છે અને ભારતમાં પણ ફરી સક્રિય થઈ ગયો છે ત્યારે એક અભ્યાસમાં જણાયું કે કોવિડ ચેપને કારણે મગજને થયેલું નુકસાન એટલું ખતરનાક છે કે દર્દીના સાજા થયાના ઘણા મહિનાઓ પછી પણ તેના લક્ષણો જતા નથી.

બ્રિટિશ સંશોધકોએ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓ પર કરેલા અભ્યાસના આધારે દાવો કર્યો છે કે મગજના આ નુકસાનને બ્લડ ટેસ્ટ દ્વારા પણ શોધી શકાતું નથી, કારણ કે આ માટેના બ્લડ ટેસ્ટના પરિણામો સામાન્ય છે.

નેચર કોમ્યુનિકેશન્સમાં પ્રકાશિત યુનિવર્સિટી ઓફ લિવરપૂલના સંશોધકો દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસમાં જણાવાયું છે કે વાયરલ ચેપના તીવ્ર તબક્કા દરમિયાન, જ્યારે લક્ષણો ઝડપથી વિકસિત થાય છે, ત્યારે તે મગજને નુકસાન પહોંચાડે છે. ઇંગ્લેન્ડ અને વેલ્સની હોસ્પિટલોના 800 દર્દીઓમાં, એવું જાણવા મળ્યું હતું કે તેઓના મગજને નુકસાન કરનાર બાયોમાર્કર્સ હાજર હતા.
આ એવા દર્દીઓ હતા કે કોરોના મટી ગયા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાના મહિનાઓ બાદ પણ તેમના મગજને નુકશાન કરનાર બાયોમાર્કર્સ જોવા મળ્યા હતા.

મગજના બાયોમાર્કર પુરાવા રોગમાં ન્યુરોલોજીકલ ડિસફંક્શનનો અનુભવ કરતા લોકોમાં વધુ સ્પષ્ટપણે જોવામાં આવ્યા હતા.

સંશોધક બેનેડિક્ટ માઇકલે જણાવ્યું હતું કે, ચેપ પહેલા માથાનો દુખાવો અને માયાલ્જીયા જેવા નાના લક્ષણો ધરાવતા લોકોમાં પણ ઘણી મુશ્કેલીઓ જોવા મળી હતી.

વાસ્તવમાં, રક્ત પરીક્ષણના પરિણામો સામાન્ય પાછા આવ્યા પછી, એવું માનવામાં આવે છે કે દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે. જ્યારે, અભ્યાસો દર્શાવે છે કે રક્ત પરીક્ષણો આ બાયોમાર્કર્સને જાહેર કરતા નથી, પરંતુ દર્દી હજુ પણ લક્ષણો સાથે સંઘર્ષ કરી રહ્યો હોય છે. તેથી જ દર્દી સાજા થયા પછી પણ અસ્વસ્થ રહે છે.
આમ,કોરોનાના દર્દીઓમાં મગજને થતા નુકશાન અંગે નવો ખુલાસો થયો છે.