દિગ્ગજ ઉમેદવારોની સાથે ભાજપ લોકસભા 2019માં હારેલી બેઠકો પર સૌથી પહેલા નામ જાહેર કરશે

loksabha election 2024, BJP, Loksabha Candidate, BJP Candidate list,
  • પ્રથમ યાદીમાં ભાજપ 100 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરશે
  • આ વખતે પાર્ટીએ 2019માં ગુમાવેલી 160 સીટો પર ખાસ ધ્યાન આપ્યું
  • લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ વિધાનસભાની રણનીતિ અપનાવશે

ભારતીય જનતા પાર્ટી 29 ફેબ્રુઆરીએ લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. આ યાદીમાં પીએમ મોદી અને અમિત શાહ જેવા દિગ્ગજ નેતાઓની લોકસભા સીટોની પણ જાહેરાત થઈ શકે છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક 29મી ફેબ્રુઆરીએ યોજાઈ શકે છે. આ બેઠક બાદ ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી આવે તેવી શક્યતા છે.

સૂત્રોનું માનીએ તો પ્રથમ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નામ પણ સામેલ છે. પ્રથમ યાદીમાં તે બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે જ્યાં પાર્ટીને 2019ની લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય પીએમ મોદી અને અમિત શાહ જેવા મહત્વના નામો સામેલ થશે.

2019માં હારેલી બેઠકો માટે ભાજપ ગયા વર્ષથી યોજનાઓ બનાવી રહ્યું છે. ભગવા પાર્ટી આવી 160 બેઠકો પર સતત નજર રાખી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મહિનાના અંત સુધીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) આગામી લોકસભા ચૂંટણી માટે 100 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.

બંગાળ, મહારાષ્ટ્ર અને યુપી પર વિશેષ ધ્યાન
સૂત્રોએ જણાવ્યું કે આ યાદીમાં દેશના વિવિધ ભાગો જેમ કે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને તમિલનાડુની બેઠકોનો સમાવેશ થઈ શકે છે. આ બેઠકો એવી છે જે ભાજપે 2019ની ચૂંટણીમાં ગુમાવી હતી. ગત વખતે યુપીમાં ભાજપે 62 સીટો જીતી હતી. તે જ સમયે, પાર્ટીની નજર બંગાળની તે બેઠકો પર છે જ્યાં તેના ઉમેદવારો ગત વખતે નજીકના માર્જિનથી હારી ગયા હતા.

હારેલી 160 બેઠકો પર નજર રખાશે
ગયા વર્ષે, પાર્ટીએ તેના નબળા વિસ્તારો તરીકે 160 બેઠકોની ઓળખ કરી હતી અને આ વિસ્તારોમાં જોરદાર પ્રચાર અને જનસંપર્ક કાર્યક્રમો હાથ ધર્યા હતા. સૂત્રોનું કહેવું છે કે લોકસભાની ચૂંટણી લડનાર કેટલાક કેન્દ્રીય મંત્રીઓ પણ આ યાદીમાં સામેલ થઈ શકે છે. પાર્ટી કોઈપણ ભોગે આમાંથી કેટલીક બેઠકો જીતવા માંગે છે.

ભાજપનો પ્લાન તૈયાર
નોંધનીય છે કે ભાજપ અનુસૂચિત જાતિ મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન, જે 29 ફેબ્રુઆરીએ યોજાવાનું હતું, તે મોકૂફ રાખવામાં આવ્યું છે. પાર્ટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા આ સંમેલનમાં ભાગ લેવાના હતા. હાલમાં આ સંમેલન યોજવાની કોઈ નવી તારીખ જાહેર કરવામાં આવી નથી.

વિધાનસભાની વ્યૂહરચના અપનાવાશે
છેલ્લી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે નબળી બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત ઘણી અગાઉ કરી દીધી હતી. પાર્ટીએ આવા વિસ્તારોમાંથી પોતાના વરિષ્ઠ નેતાઓને મેદાનમાં ઉતાર્યા અને તેને આ વ્યૂહરચનાનો ફાયદો પણ મળ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે લોકસભા ચૂંટણી માટે પણ આવી જ રણનીતિ અપનાવવામાં આવી રહી છે.

બીજી તરફ પંજાબ અને આંધ્રપ્રદેશમાં નવા ગઠબંધન માટે ચાલી રહેલી ચર્ચાના પરિણામની પણ ભાજપ રાહ જોઈ રહી છે. આ ઉપરાંત, બિહાર અને યુપીમાં નવા ગઠબંધન ભાગીદારો છે, જ્યાં પાર્ટીએ બેઠકો વહેંચવાની છે.