1,314 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી-વિજય સિન્હા, તેજસ્વી યાદવ સહિત 16 મંત્રીઓ અને દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર; PM મોદીએ કરી ‘પહેલા મતદાન, પછી જલપાન’ની અપીલ

પટના, બિહાર | 6 નવેમ્બર 2025

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કાનું મતદાન આજે (ગુરુવાર, 6 નવેમ્બર) સવારે 7 વાગ્યે શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં રાજ્યના 18 જિલ્લાઓની કુલ 121 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જ્યાં 1,314 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય 3.75 કરોડથી વધુ મતદારો કરશે.

મુખ્ય ચૂંટણી અધિકારી વિનોદ સિંહ ગુંજિયાલના જણાવ્યા અનુસાર, 45,341 મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. મોટા ભાગની બેઠકો પર મતદાન સાંજે 5 કે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.

હાઈ-પ્રોફાઈલ બેઠકો: દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર

પ્રથમ તબક્કાનું મતદાન વર્તમાન સરકારના 16 મંત્રીઓ સહિત અનેક દિગ્ગજ રાજકારણીઓ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ તબક્કામાં દાવ પર લાગેલા મુખ્ય નેતાઓમાં શામેલ છે:

  • નાયબ મુખ્યમંત્રી: સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા.
  • મહાગઠબંધનનો ચહેરો: આરજેડી નેતા તેજસ્વી યાદવ (રાઘોપુર બેઠક).
  • અન્ય દિગ્ગજો: તેજ પ્રતાપ યાદવ, બાહુબલી અનંત સિંહ સહિત અનેક મોટા ચહેરા.

ચૂંટણી અધિકારીઓએ તમામ મતદારોને લોકશાહીના આ મહાપર્વમાં જોડાઈને પોતાના પસંદગીના ઉમેદવારને મત આપવાની અપીલ કરી છે.

યુવા શક્તિનું મહત્ત્વ: 7.37 લાખ પ્રથમ વખતના મતદારો સહિત 3.75 કરોડ મતદારો મતદાન કરશે

આ ચૂંટણીમાં યુવા મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવવાના છે:

  • પ્રથમ વખત મતદાન: 7 લાખ 37 હજાર 765 મતદારો પ્રથમ વખત મતદાન કરી રહ્યા છે, જેમાં 18 થી 19 વર્ષની વયજૂથના યુવા મતદારોનું પ્રમાણ વધુ છે.
  • યુવા મતદારો: 18 થી 40 વર્ષની વયજૂથના 1 કરોડ 96 લાખથી વધુ યુવા મતદારો પોતાનો અભિપ્રાય રજૂ કરશે.

ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગ (3,22,077) અને વરિષ્ઠ નાગરિક (5,31,423) મતદારો માટે વિશેષ સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

Screenshot of a tweet by Amit Shah in Hindi text discussing Bihar election voting urging record participation to prevent jungle raj sustain governance build developed Bihar teach lesson to protectors of infiltrators and Naxalites restore pride provide education welfare and employment with timestamp November 6 2025 and view count.

શાંતિપૂર્ણ મતદાન: સુરક્ષાના કડક બંદોબસ્ત સાથે સાંજે 6 વાગ્યા સુધી વોટિંગ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા (X) પર પોસ્ટ કરીને તમામ મતદારોને ખાસ અપીલ કરી:

“બિહારમાં આજે લોકશાહીના ઉત્સવનો પહેલો તબક્કો છે. તમામ મતદારોને મારો આગ્રહ છે કે તેઓ પૂરા ઉત્સાહ સાથે મતદાન કરે… યાદ રાખવાનું છે – પહેલા મતદાન, પછી જલપાન!”

તમામ 45,341 મતદાન કેન્દ્રો પર સુરક્ષાના કડક વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની (CAPF) ટુકડીઓ તૈનાત છે. મતદારોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયામાં ભાગ લેવા વિનંતી કરવામાં આવી છે.