બે દાયકાથી બિહારના રાજકારણના કેન્દ્રસ્થાને રહેલા નીતીશ કુમારે સક્રિય રાજનીતિમાં પોતાના આગામી કદમનો ખુલાસો કર્યો

પટના: છેલ્લા બે દાયકાથી બિહારના રાજકારણના કેન્દ્રસ્થાને રહેલા નીતીશ કુમારે સક્રિય રાજનીતિમાં પોતાના આગામી કદમનો ખુલાસો કરીને સૌને ચોંકાવી દીધા છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાહેર કર્યું છે કે તેઓ આગામી રાજ્યસભાની ચૂંટણીમાં સંસદના ઉપલા ગૃહના સભ્ય બનવા ઈચ્છે છે. આ નિર્ણય સાથે તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ હવે બિહારમાં નવી સરકારને માત્ર માર્ગદર્શન આપશે અને પોતે રાષ્ટ્રીય રાજનીતિમાં સક્રિય થશે.

ચારેય ગૃહોના સભ્ય બનવાનું જૂનું સપનું

નીતીશ કુમારે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમના સંસદીય જીવનની શરૂઆતથી જ એક અધૂરી ઈચ્છા હતી. તેઓ સંસદ અને વિધાનમંડળના ચારેય ગૃહો (લોકસભા, રાજ્યસભા, વિધાનસભા અને વિધાન પરિષદ) ના સભ્ય બનવા માંગતા હતા. અત્યાર સુધી તેઓ લોકસભા અને બિહારના બંને ગૃહોના સભ્ય રહી ચૂક્યા છે, હવે રાજ્યસભાના સભ્ય બનીને તેઓ આ ‘ચોગ્ગો’ પૂર્ણ કરવા માંગે છે.

નવી સરકારને માર્ગદર્શન અને સહયોગ

નીતીશ કુમારે સ્પષ્ટતા કરી છે કે બિહારના વિકાસ માટેનો તેમનો સંકલ્પ અતૂટ રહેશે. તેમણે કહ્યું કે, “રાજ્યમાં જે પણ નવી સરકાર બનશે, તેને મારો પૂરો સહયોગ અને માર્ગદર્શન મળતું રહેશે.” નીતીશનું આ નિવેદન બિહારની સત્તાના માળખામાં મોટા ફેરફાર અને નેતૃત્વ પરિવર્તનનો સ્પષ્ટ સંકેત આપી રહ્યું છે.

બિહારની રાજનીતિમાં મોટો શૂન્યાવકાશ?

નીતીશ કુમારના દિલ્હી જવાના નિર્ણય બાદ બિહારમાં આગામી મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે અટકળો તેજ થઈ છે. બે દાયકા સુધી બિહારના પર્યાય બનેલા નીતીશ કુમાર હવે રાજ્યસભા દ્વારા કેન્દ્રમાં મોટી જવાબદારી સંભાળી શકે છે. તેમના આ કદમને બિહારના હિતમાં એક વ્યૂહાત્મક ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યો છે.