ભારત-કેનેડા તણાવની અસર હવે લાંબા ગાળે જોવા મળી રહી છે,જેમાં ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવતી પરમિટમાં મોટો ઘટાડો નોંધાયો છે.
ન્યૂઝ એજન્સી રોઈટર્સને આપેલા ઈન્ટરવ્યુમાં કેનેડાના એક ટોચના અધિકારીએ કહ્યું કે આવું બે કારણોસર થયું છે.
પહેલું કારણ એ છે કે ભારતે કેનેડિયન રાજદ્વારીઓને તેમના દેશમાંથી હાંકી કાઢયા હતા કે જેઓ પરમિટની પ્રક્રિયા કરતા હતા અને બીજું કારણ એ છે કે આ વખતે ખૂબ ઓછા ભારતીય વિદ્યાર્થીઓએ અરજી કરી છે. હકીકતમાં, ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ છે. કેનેડાએ ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ બંને દેશોના સંબંધો બગડ્યા હતા.

હાલમાં બંને દેશો વચ્ચે જે પ્રકારના સંબંધો છે તે જોતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવાની કોઈ અપેક્ષા દેખાતી નથી.
કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે પણ આ અંગે આશંકા વ્યક્ત કરતા કહ્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્ટડી પરમિટની સંખ્યામાં ટૂંક સમયમાં વધારો થાય તેવી અત્યારે કોઈ સંભાવના જણાતી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા તા. 18 સપ્ટેમ્બરના રોજ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હાઉસ ઓફ કોમન્સમાં નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારના એજન્ટોનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો.
કેનેડાએ વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર ચાલી રહેલી વેપાર વાટાઘાટોને સ્થગિત કરી દીધી અને ભારતીય રાજદ્વારી પવન કુમાર રાયને પણ કેનેડા માંથી હાંકી કાઢ્યા હતા અને નિજ્જર કેસની તપાસમાં ભારતને મદદ કરવા કહ્યુ હતું.

જોકે, ભારતે આરોપોને નકારી કાઢ્યા હતા અને વળતી કાર્યવાહીમાં બદલો લેતા કેનેડિયન રાજદ્વારીઓને ભારતમાંથી હાંકી કાઢ્યા હતા અને કેનેડામાં વિઝા સેવાઓ અટકાવી હતી. ત્યારથી, પીએમ ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતની કથિત ભૂમિકા પર સમયાંતરે નિવેદનો આપતા રહયા છે અને ભારતે વારંવાર કહ્યું છે કે તેને કેનેડા તરફથી કોઈ વિશ્વસનીય પુરાવા આપવામાં આવ્યા નથી.
આમ,બન્ને દેશ વચ્ચે વણસેલા સબંધો વચ્ચે હાલ ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવતી પરમિટમાં મોટો ઘટાડો નોંધાતા આ વાત ફરી સપાટી ઉપર આવી છે.

કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટરે ઉમેર્યું હતું કે ગયા વર્ષે જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે 1 લાખ 8 હજારથી વધુ ભારતીય સ્ટુડન્ટસને સ્ટડી પરમિટ આપવામાં આવી હતી જ્યારે ઓક્ટોબર અને ડિસેમ્બર વચ્ચે, ફક્ત 14,910 ભારતીય સ્ટુડન્ટસે અભ્યાસ પરમિટ માટે અરજી કરી હતી.
આ રીતે વિદ્યાર્થીઓની સંખ્યામાં 86 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.