જેટલી આશ્ચર્યજનક વિજય રુપાણીની અચાનક થયેલી વિદાય રહી તેનાથી પણ વધુ આશ્ચર્યજનક રહ્યો ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવવાનો નિર્ણય

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળી રહેલા પદનામિત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ.

હાઈલાઈટ્સ:

  • ભૂપેન્દ્ર પટેલનો દાવો, છેલ્લી ઘડી સુધી તેમને ખબર નહોતી કે સીએમ તરીકે તેમનું નામ જાહેર થવાનું છે
  • સીએમ બનતા ભૂપેન્દ્ર પટેલે પીએમ, અમિત શાહ તેમજ આનંદીબેન પટેલનો આભાર વ્યક્ત કર્યો
  • આવતીકાલે માત્ર ભૂપેન્દ્ર પટેલ સીએમ તરીકે શપથ લેશે, મંત્રીમંડળના સભ્યોના નામ બે દિવસમાં નક્કી થશે

ગાંધીનગર: વિજય રુપાણી દ્વારા રાજીનામું આપ્યાના 24 કલાકમાં જ ભૂપેન્દ્ર પટેલનું નવા સીએમ તરીકે નામ જાહેર કરી ભાજપે સૌ કોઈને ચોંકાવી દીધા છે. ખુદ ભૂપેન્દ્ર પટેલે આજે પોતાનું નામ જાહેર થયા બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તેમને પોતાને પણ આ વાતનો કોઈ અણસાર નહોતો. ભૂપેન્દ્ર પટેલને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે તેમને સીએમ બનાવાઈ રહ્યા છે તે વાતની જાણ ક્યારે કરવામાં આવી હતી તે સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે આ વાતની તેમને અગાઉથી કોઈ જાણ નહોતી કરાઈ.

ગુજરાતમાં પૂર્વ સીએમ રુપાણીની એક્ઝિટ જેટલી આશ્ચર્યજનક રહી, તેટલી જ આશ્ચર્યજનક ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત પણ રહી છે. ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં સૌથી મોટી લીડ સાથે જીતનારા ધારાસભ્ય બન્યા હતા. નવા સીએમ તરીકે તેમનું નામ જાહેર કરાતા તેમના પરિવારજનો પણ ઉજાણીના માહોલમાં આવી ગયા છે. ભૂપેન્દ્ર પટેલ પોતાના પરિવાર સાથે શીલજમાં રહે છે. તેમનું નામ સીએમ તરીકે જાહેર થતાં જ મીડિયાના ધાડેધાડા તેમના ઘરે પહોંચી ગયા હતા.