પ્રેમચંદ બૈરવા અને દિયા કુમારી બનશે ડે. સીએમ

રાજસ્થાનમાં મુખ્યમંત્રી કોણ બનશે તે સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે અને ધારાસભ્ય દળની બેઠકમાં ભજનલાલ શર્માના નામને મંજૂરી આપવામાં આવી હતી. રાજસ્થાનમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં ભજન લાલ શર્માના નામને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી તેઓ સાંગાનેર વિધાનસભા સીટથી ધારાસભ્ય છે. આ બેઠકમાં ભજન લાલ શર્માના નામનો પ્રસ્તાવ પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ કર્યો હતો.

મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની જેમ રાજસ્થાનમાં પણ ભાજપે ચોંકાવતા નવા નેતાને મુખ્યમંત્રી બનાવ્યા છે. સાથેજ રાજસ્થાનમાં પણ બે ડેપ્યુટી સીએમ હશે. આ માટે પ્રેમચંદ બૈરવા અને દિયા કુમારીના નામને મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે સ્પીકર માટે વાસુદેવ દેવનાનીનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે.

રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્માની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તેઓએ રાજસ્થાન યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે. 1993માં રાજનીતિમાં M.A.ની ડિગ્રી મેળવી હતી.

ભરતપુરના રહેવાસી ભજનલાલ શર્મા લાંબા સમયથી સંગઠનમાં કાર્યરત છે. તેઓ ચાર વર્ષથી પ્રદેશ મહામંત્રી તરીકે કાર્યરત છે અને સંગઠનમાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા બદલ તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે રાજસ્થાનની કુલ 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો માટે 51 હજારથી વધુ મતદાન મથકો પર 25 નવેમ્બરે મતદાન થયું હતું અને 3 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં ભાજપને 115 અને કોંગ્રેસને 69 બેઠકો મળી હતી.