ભ્રષ્ટાચારના પૂરાવા મળતા સીએમ ભગવંત માને પંજાબ પોલીસને વિજય સિંગલાની વિરુદ્ધ કેસ નોંધવા માટે પણ સૂચના આપી

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પોતાની જ સરકારના મંત્રી વિજય સિંગલાને હટાવી દીધા છે. વિજય સિંગલા સામે ભ્રષ્ટાચારના પુરાવા મળ્યા બાદ મુખ્યમંત્રી ભગવંત માને આ કાર્યવાહી કરી છે. સાથે જ સીએમ ભગવંત માને પંજાબ પોલીસને વિજય સિંગલાની વિરુદ્ધ કેસ નોંધવા માટે પણ સૂચના આપી છે. વિજય સિંગલા ભગવંત માનની આગેવાની હેઠળની સરકારમાં આરોગ્ય મંત્રી હતા. વિજય સિંગલા પર અધિકારીઓ તરફથી કોન્ટ્રાક્ટ પર એક ટકા કમિશનની માંગણી અને ભ્રષ્ટાચારની ફરિયાદો આવી રહી હતી. વિજય સિંગલાના ભ્રષ્ટાચારમાં સામેલ હોવાના આરોપ અંગે મજબૂત પુરાવા મળ્યા બાદ સીએમ ભગવંત માને તેમને તેમની કેબિનેટમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો.

વિજય સિંગલાને મંત્રીમંડળમાંથી હટાવવાની જાહેરાત કરતા મુખ્યમંત્રી ભગવંત માને સ્પષ્ટ કહ્યું કે અમે એક ટકા પણ ભ્રષ્ટાચાર સહન નહીં કરીએ. તેમણે કહ્યું કે લોકોએ ઘણી અપેક્ષાઓ સાથે આમ આદમી પાર્ટીની સરકાર બનાવી છે. એ અપેક્ષા પ્રમાણે જીવવું એ આપણી ફરજ છે. સીએમ માને કહ્યું કે જ્યાં સુધી અરવિંદ કેજરીવાલ જેવા ભારત માતાના પુત્રો અને ભગવંત માન જેવા સૈનિકો છે, ત્યાં સુધી ભ્રષ્ટાચાર સામેનું મહાયુદ્ધ ચાલુ રહેશે.

તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલે શપથ લીધા હતા કે ભ્રષ્ટાચારની વ્યવસ્થાને જડમૂળથી ઉખાડી દેવામાં આવશે. પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું કે અમે બધા તેમના સૈનિક છીએ. અહીં એક ટકા પણ ભ્રષ્ટાચારને સ્થાન નથી. મુખ્યમંત્રી ભગવંત માનના પોતાના જ મંત્રીને હટાવવાના આ પગલાને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અન્ય નેતાઓ અને અધિકારીઓ માટે પણ મજબૂત સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે. પંજાબમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ મુખ્યમંત્રીએ પોતાના જ મંત્રીને ભ્રષ્ટાચારના કેસમાં કાઢી મૂક્યા હોય. ઉલ્લેખનીય છે કે, પંજાબ વિધાનસભાની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીએ ભ્રષ્ટાચાર મુદ્દે સત્તાધારી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પાર્ટીએ સિસ્ટમમાં ઊંડે સુધી રહેલા ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખેડી નાખવાના વચનો આપ્યા હતા.