બીસીસીઆઇએ બંગાળના પત્રકાર પર મૂક્યો પ્રતિબંધ, ભારતમાં રમાતી એકપણ મેચમાં કવરેજ માટે ઉપસ્થિત નહીં રહી શકે

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
કોલકતાના પત્રકાર બોરિયા મજમુદારને ટેસ્ટ ટીમમાંથી બહાર કરાયા બાદ વિકેટકીપર-બેટ્સમેન રિદ્ધિમાન સાહાને ધમકાવવા માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે અને બીસીસીઆઇની તપાસ કમિટીએ બોરિયા મજુમદાર પર બે વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો છે. આ સાથે જ બોરિયા મજુમદાર હવે આગામી બે વર્ષ સુધી ભારતમાં રમાનારી એકપણ સ્થાનિક કે આંતરરાષ્ટ્રીય મેચમાં ઉપસ્થિત નહીં રહી શકે.

બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, ખજાનચી અરુણ ધૂમલ અને કાઉન્સિલર પ્રભતેજ સિંહ ભાટિયાની સમિતિએ મજુમદાર વિરુદ્ધ સાહા દ્વારા લગાવવામાં આવેલા આરોપો સાથે સહમતિ દર્શાવી હતી અને બીસીસીઆઈની સર્વોચ્ચ સમિતિને ભલામણ કરી હતી કે બે વર્ષ સુધી પત્રકાર પર પ્રતિબંધ મૂકવામાં આવે. સર્વોચ્ચ સમિતિએ તપાસ સમિતિની ભલામણોને સ્વીકારી છે. સાહા અને મજુમદાર વચ્ચેની આ ક્રિયાપ્રતિક્રિયા ટ્વિટર પર થઈ હતી, ત્યારબાદ બીસીસીઆઈએ અન્ય ખેલાડીઓ સાથે સમાન ઘટનાઓનું પુનરાવર્તન ટાળવા માટે આ બાબતની તપાસ કરવાનું નક્કી કર્યું હતું.