જય શાહે સોશિયલ મીડિયા દ્વારા મેચ ફી અંગે લેવાયેલા ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરી, કહ્યું અમે ક્રિકેટમાં લિંગ સમાનતાના નવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગુરુવારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. મહિલા ક્રિકેટરોને ધ્યાનમાં રાખીને બોર્ડે મેચ ફીને લઈને નવી નીતિ લાગુ કરી છે. હવે મહિલા અને પુરૂષ ખેલાડીઓને સમાન મેચ ફી મળશે. બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે ટ્વીટ કરીને આ જાણકારી આપી. તેણે કહ્યું કે અમે મહિલા અને પુરૂષ ખેલાડીઓ વચ્ચેના ભેદભાવને ખતમ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.
જય શાહે સોશિયલ મીડિયા દ્વારા મેચ ફી અંગે લેવાયેલા ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરી હતી. તેણે બે ટ્વીટ કર્યા. એવું કહેવામાં આવ્યું હતું કે BCCI મહિલા ખેલાડીઓ માટે વેતન ઇક્વિટી નીતિ લાગુ કરી રહી છે. તેમણે ટ્વીટમાં લખ્યું, “મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે BCCIએ ભેદભાવને દૂર કરવાની દિશામાં પહેલું પગલું ભર્યું છે. અમે મહિલા ક્રિકેટરો માટે વેતન ઇક્વિટી પોલિસી લાગુ કરી રહ્યા છીએ. અમે ક્રિકેટમાં લિંગ સમાનતાના નવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે પુરુષ અને મહિલા ક્રિકેટર બંને માટે મેચ ફી સમાન હશે.
તેમણે આગળ લખ્યું કે, “મહિલા ક્રિકેટરોને તેમના પુરૂષ સમકક્ષો જેટલી જ મેચ ફી ચૂકવવામાં આવશે. ટેસ્ટ મેચ માટે 15 લાખ રૂપિયા, ODI માટે 6 લાખ રૂપિયા અને T20I માટે 3 લાખ રૂપિયા આપવામાં આવશે. જય હિન્દ”
જો આપણે હાલમાં મહિલા ખેલાડીઓને મળી રહેલી મેચ ફીની વાત કરીએ તો તે સરેરાશ 20 હજાર રૂપિયા છે. આ વરિષ્ઠ મહિલા ટીમની ફી છે, જે પુરૂષ ક્રિકેટમાં અંડર-19 ખેલાડીઓની બરાબર છે. જ્યારે સિનિયર મેન્સ ટીમના ખેલાડીઓ દરરોજ લગભગ 60 હજાર રૂપિયા કમાય છે. તેથી, મહિલા અને પુરૂષ ટીમના ખેલાડીઓ વચ્ચે મેચ ફીમાં ઘણો તફાવત હતો. તે હવે સમાપ્ત કરવામાં આવ્યું છે.