તમારી આવકનું 10% દાન વિશ્વઉમિયાધામને આપો, સમાજ શ્રેષ્ઠ સ્થાને પહોંચશેઃ બાબા રામદેવ
વિશ્વઉમિયાધામનું નિર્માણ થાય ત્યાં સુધી વિશ્વની વિભુતિઓ માના મંદિરનું શિલાપૂજન કરતી રહે જેથી ઉર્જાનો સંચાર થાયઃ આર.પી. પટેલ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
વિશ્વઉમિયાધામ- જાસપુર, અમદાવાદ ખાતે પરમ પૂજ્ય યોગગુરુ બાબા રામદેવજીનું પાવન આગમન થયું હતું. પૂજ્ય બાબા રામદેવજીએ જગત જનની શ્રી ઉમિયા માતાજીના નવનિર્મિત મંદિરની શીલાનું પૂજન કર્યું હતું. ત્યારબાદ સંસ્થાના પ્રણેતા અને પ્રમુખશ્રી આર. પી. પટેલ તેમજ ઉપપ્રમુખશ્રી પ્રહલાદભાઇ પટેલ કામેશ્વર તેમજ સંસ્થાના દાતાશ્રીઓ ટ્રસ્ટીશ્રીઓની હાજરીમાં પૂજ્ય બાબા રામદેવજીનું સ્વાગત કરવામાં આવ્યું. આ શુભ અવસરે સ્વામી રામદેવજીએ તેમની દિવ્ય વાણીથી ઉપસ્થિત સર્વે ભાવિક ભક્તોને મા ઉમિયા પ્રત્યેની શ્રધ્ધા સમાજ પ્રત્યેની- દેશ પ્રત્યેની ભાવના તથા યોગ વિશે માહિતગાર કરી સર્વેને ભાવ વિભોર કર્યા. ઉલ્લેખનીય છે કે તા.19/06/22ને રવિવારના રોજ પૂજ્ય બાબા રામદેવજી વિશ્વઉમિયાધામના મહેમાન બન્યા હતા.
વિશ્વઉમિયાધામ સનાતન ધર્મનું સૌથી ગૌરવપૂર્ણ ધામ છેઃ પૂજ્ય બાબા રામદેવ
આ શુભ અવસરે પૂજ્ય બાબા રામદેવજીએ જગત જનની મા ઉમિયાના ચરણોમાં ભાવ વિભોર થઈને પોતાની દિવ્યવાણીનો લાભ આપ્યો હતો. તેઓ કહ્યું કે શ્રી.આર.પી. પટેલ અને તેમની ટીમે ઉપાડેલું વિશ્વના સૌથી ઉંચા મા ઉમિયાના મંદિર નિર્માણનું કામ ભગીરથ કાર્ય છે. આ કાર્યમાં તમે સૌ જોડાઈ તમારી આવકના 6થી 10 ટકા દાન વિશ્વઉમિયાધામને આપો જેથી શ્રેષ્ઠ પાટીદાર સમાજનું નિર્માણ થાય.વધુમાં તેમણે ઋણસ્વીકારતાં કહ્યું કે હું પટેલ સમાજના રોટાલા અને ઢેબરા ખાઈને મોટો થયો છું. મને મોટો કરવામાં પાટીદાર સમાજનું પ્રદાન છે. તો વધુમાં જણાવ્યું કે લેઉવા અને કડવા અલગ નથી, ઉમિયા માતાજીના સાનિધ્યમાં સંગઠિત થાય અને આગળ વધે. સમય સંગઠિત થવાનો છે. બધા એક જ છે. તથા વિશ્વઉમિયાધામ સનાતન ધર્મનું સૌથી ગૌરવપૂર્ણ ધામ છે.
આ શુભ પ્રસંગે વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ શ્રી આર.પી.પટેલે જણાવ્યું હતું. જ્યાં સુધી વિશ્વઉમિયાધામનું નિર્માણ થાય ત્યાં સુધી વિશ્વની વિભુતિઓ જગત જનની મા ઉમિયાના મંદિરનું શિલાપૂજન કરતી રહે અને માતાજીના દર્શને આવે જેથી તેમની ઉર્જા આ ભૂમિ પર સંચિત થાય.