કોઇએ આતંકવાદ ભગાડવાનો ફેંક્યો પડકાર તો કોઇએ હત્યારાઓ ક્યારે ઝડપાશે તે અંગે માગ્યો જવાબ

બાબા બાગેશ્વર ઉર્ફે ધીરેન્દ્ર શાસ્ત્રી, હાલ બિહારના પ્રવાસે છે અને જ્યાં પણ જાય ત્યાં વિવાદ જરૂર થાય છે. એક તરફ તેમની પર અંધ શ્રદ્ધા ફેલાવવાનો આરોપ લાગતો હોય છે તો ત્યાં કેટલાક તેમને પાખંડી પણ કહે છે. હવે આ જ બાબા બાગેશ્વરનો દરબાર ગુજરાતના ત્રણ શહેરમાં લાગવાનો છે. બાગેશ્વર ધામ સરકારથી ઓળખાતા કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત મુલાકાતે આવશે. 26 મેથી 2 જૂન સુધી ગુજરાતના મોટા શહેરોમાં દરબાર લગાવશે. સુરત, અમદાવાદ અને રાજકોટમાં તેમનો દિવ્ય દરબાર લાગશે. સુરત પ્રવાસથી ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસની શરૂઆત થશે.

બાગેશ્વર સરકારના કાર્યક્રમ માટે રાજ્યના શહેરોમાં તૈયારીઓ થઇ રહી છે. પોલીસ મંજૂરીથી માંડીને VVIPની હાજરી સુધીની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. અમદાવાદમાં આગામી 29 અને 30 મેના રોજ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર લાગવાનો છે. આ તરફ હવે અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્ય અને જાણીતા ડૉક્ટર વસંત પટેલે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે કે, જો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીમાં કોઈ શક્તિ છે તો કિડની અને કેન્સર હોસ્પિટલમાં દર્દીઓને સાજા કરે. અમદાવાદમાં ઘાટલોડીયાના ચાણક્યપુરી વિસ્તારમાં તેમનો આ દરબાર ભરાશે.

સનાતન ધર્મ અને હિન્દુ રાષ્ટ્રની હંમેશા કરે છે વકીલાત
પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વર્તમાનમાં તેમની આધ્યાત્મિક આભાથી લોકોના જીવનની સમસ્યાનું સમાધાન કરવા બાબતે ખૂબ જ દેશ–વિદેશમાં લોકપ્રિય થયા છે, સાથે જ તેઓ સનાતન ધર્મની પુન:સ્થાપના અને હિન્દુ રાષ્ટ્ર્ર વિશે પણ ખુલીને પોતાની વાત ખૂબ જ સ્પષ્ટ્તાપૂર્વક મુકી રહ્યા છે. જેના કારણે તેઓ આજની યુવા પેઢીમા પણ અતિ લોકપ્રિય બન્યા છે. ગુજરાતના વિવિધ સ્થળોએ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર લાગવાનો છે.

મહારાજ કોઈ તાંત્રિક નથીઃ આયોજક
બાબા બાગેશ્વરનો દરબાર યોજાય તે પહેલા વિરોધ શરૂ થઈ ચૂક્યો છે. જેના વિશે વાત કરતા આયોજકે જણાવ્યું કે, ‘મહારાજ કોઈ તાંત્રિક નથી. મહારાજ બધાના સવાલોના જવાબ આપશે, તમામના જે પ્રશ્નો છે તેના મહારાજ જવાબ આપશે. અરજીનો સ્વીકાર થાય તો સ્ટેજ પર એ વ્યક્તિને બોલાવાશે.’