રાજકોટમાં TRP ગેમ ઝોનમાં ભયાનક આગ ભભૂકી ઉઠતાં 26ના કરુંણ મોત થયાના અહેવાલ છે,મૃતકોમાં 9થી વધુ બાળકોની ઉંમર 18થી ઓછી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઓસ્ટ્રેલિયાનું એકમાત્ર ગુજરાતી અખબાર
ખૂબજ ક્ષતિગ્રસ્ત હાલતમાં સળગી ગયેલા મૃતદેહ રાજકોટ સિવિલમાં ખસેડાયા છે.
આ ઘટનાને પગલે ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે.
આગ લાગવાની ઘટના અંગેની જાણ થતાંજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો.
ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય હાથ ધરી મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યુ કરાયું હતું.
ઘટનાની જાણ થતા જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી.
આ આગ દુર્ઘટના પ્રકરણમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.
પોલીસ કમિશનરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં કરુણતા એ છે કે કેટલાક મૃતદેહો એટલી હદે બળી ગયેલા છે કે ઓળખ કરવી મુશ્કેલ બની છે, હાલ કેટલાક મૃતદેહની ઓળખ પણ થઈ શકી નથી, પરંતુ ડીએનએ ટેસ્ટ કરી મૃતદેહો ઓળખવાની પ્રક્રિયા હાથ ધરાશે.
ગેમ ઝોનનો 30 થી 40નો સ્ટાફ રફુચક્કર થઈ હોવાના પણ અહેવાલો છે.
રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘X’ પર લખ્યું ‘રાજકોટમાં આગની ઘટનાથી ખૂબ જ દુઃખ થયું.
મારી સંવેદના એ તમામ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. ઘાયલો માટે પ્રાર્થના કરીને, સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે કામ કરી રહ્યું છે.’
રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં લાગેલી આગનું કારણ જાણી શકાયું નથી પણ આગ એટલી વિકરાળ હતી કે, પાંચ કિલોમીટર સુધી ધુમાડા જોઈ શકાતા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું ‘રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી માટે મહા નગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચના આપી છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને પ્રાથમિકતા આપવાની પણ સૂચના અપાઈ છે.’
મળતી વિગતો મુજબ ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.
આ ઘટના બાદ સંચાલક અને મેનેજર સહિત ચારની ઘરપકડ કરવામાં આવી છે.
જેમાં સંચાલક યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ અને મેનેજર નિતીન જૈન નામના વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે.
હર્ષ સંઘવી પણ રાજકોટ જવા રવાના થયા છે જેઓ હોસ્પિટલ-ઘટનાસ્થળની મુલાકાત લેશે.
બીજી તરફ રાજ્યમાં કાર્યરત તમામ ગેમઝોનની તપાસણી કરવા તેમજ ફાયર સેફ્ટી પરમિશન વિના ચાલતા ગેમઝોન બંધ કરાવવા રાજ્યના પોલીસ મહાનિદેશકે પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ અધિક્ષકોને સૂચના આપી છે.
આ કાર્યવાહી મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓના ફાયર ઓફિસર અને સ્થાનિક તંત્રના સંકલનમાં રહીને કરવા પોલીસ મહાનિર્દેશક દ્વારા જણાવવામાં આવ્યું છે.
દરમિયાન અધિકારીઓનું કહેવું છે કે આગમાં મૃતકોની સંખ્યા વધી શકે છે.
આ ઘટનાને લઈ ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.