અકસ્માત બાદ 3 મિનિટમાં જ કાર પાણીમાં ગરકાવ થઇ, પ્રત્યક્ષદર્શીઓએ બચાવની કોશિશ કરી, પરંતુ મૂળ કચ્છની બંને યુવતીઓને બચાવી ન શકાઇ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
રવિવારનો દિવસ પર્થમાં રહેતા ગુજરાતીઓ માટે ગોઝારો રહ્યો કારણ કે ગુજરાતી મૂળની બે યુવતીઓની કાર એવલી ખાતે આવેલા તળાવમાં સવારે 6-40 કલાકે અકસ્માતને પગલે ખાબકી હતી. બંને યુવતીઓ, 20 વર્ષીય નિધિ હિરાણી અને રુક્ષ્મી વાઘજિયાણી ટોયોટા કોરોલા કાર સાથે ઓફિસ જઇ રહી હતી ત્યારે જ તેમની કારને અકસ્માત નડ્યો હતો. બંને યુવતીઓ ફેબ્રુઆરીમાં જ કેન્યાથી પર્થની એડિન કોવાન યુનિવર્સિટીમાં નર્સિંગના અભ્યાસ અર્થે આવી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે અકસ્માત સમયે બંને યુવતીઓ કારનો કાચ તોડીને બહાર આવવાની કોશિશ કરી રહી હતી જોકે તેમના પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા, કારણ કે ત્રણ મિનિટ જેટલા સમયમાં જ કાર તળાવમાં ગરકાવ થઇ ગઇ હતી.
માત્ર 3 મિનિટની અંદર જ કાર પાણીમાં ગરકાવ
સમગ્ર અકસ્માતને નજરે જોનારાઓનું કહેવું છે કે તેમણે પોતાની કાર અટકાવી હતી અને મદદ કરવાની કોશિશ કરી હતી. એક વ્યક્તિ તો તરીને કારની નજીક પહોંચ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં કાર પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. 10 મિનિટ બાદ જ પોલીસ ઘટનાસ્થળે આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હતું. ડૂબવાના કારણે બંને યુવતીઓનું મોત થયું હતું. નીધિ રુક્ષ્મીના કાકા-કાકી મનિષા અને કેપી હાલાઇની સાથે રહેતા હતા.
મૃત્યુ પહેલા બંને યુવતીઓએ અંકલને કર્યો ફોન
અકસ્માત બાદ બંને યુવતીઓએ તેમન અંકલ કેપી હાલાઇને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે કાર અકસ્માત થયો છે અને કાર ઝડપથી પાણીમાં ડૂબી રહી છે. હાલાઇએ જણાવ્યું હતું કે તળાવ 10 ફૂટથી વધુ ઉંડુ હોવાના કારણે બચાવ માટે આવેલો વ્યક્તિ વધુ મદદ ન કરી શખ્યો. બંને યુવતીઓના પાર્થિવ દેહને હવે કેન્યા મોકલવામાં આવી રહ્યા છે.
ભુજ તાલુકાના કોડકી અને નારણપરની હતી યુવતીઓ
બંને યુવતીઓના પરિવારજન કેન્યા રહે છે પરંતુ તેમના સગાવ્હાલા ગુજરાતના ભૂજ ખાતેના ગામમાં રહે છે. નિધિ હિરાણી ભુજ તાલુકાના કોડકી ગામની અને રૂક્ષ્મી પ્રેમજી વાઘજિયાણી નારણપર ગામની વતની હતી. યુવતીઓના મોતથી ગામમાં અને પરિવારમાં ભારે શોક સાથે અરેરાટી છવાઈ ગઇ છે. રુક્ષ્મીની કાકી મનિષા હાલાઇએ સ્થાનિક ટીવી ચેનલ નાઇનને જણાવ્યું હતું કે બંને દિકરીઓ ઘણી જ પ્રેમાણ હતી. તેઓને પર્થ આવે 6 મહિના જ થયા હતા પરંતુ તેમણે ઝડપથી લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું.