ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ માર્ચ-એપ્રિલ 2022માં પાકિસ્તાનના પ્રવાસે જશે, જ્યાં ત્રણ ટેસ્ટ, ત્રણ વન-ડે અને એક ટી20 મેચનું આયોજન

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાનના પ્રવાસે પહોંચી ચૂકી હતી પરંતુ અચાનક જ સુરક્ષા કારણોસર પ્રવાસ મોકુફ રાખ્યો, જોકે ઓસ્ટ્રેલિયાએ આગામી વર્ષે પાકિસ્તાન પ્રવાસ ખેડવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાને એલાન કર્યું છે કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ આગામી વર્ષે યજમાન ટીમ સામે ત્રણ ટેસ્ટ, ત્રણ વન-ડે અને એક ટી20 મેચ રમશે.
ઓસ્ટ્રેલિયન ટીમ 24 વર્ષમાં પ્રથમ વખત પાકિસ્તાન જશે. કાંગારૂ ટીમ છેલ્લે 1998માં પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી. પીસીબી ચેરમેન રમીઝ રાજાએ જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા વિશ્વની સૌથી શ્રેષ્ઠ ટીમોમાં સામેલ છે અને 24 વર્ષના લાંબા ગાળા બાદ તે પાકિસ્તાનમાં રમશે તે ક્રિકેટ પ્રેમીઓ માટે યાદગાર ક્ષણ હશે.

પ્રથમ ટેસ્ટ મેચ 3 માર્ચથી કરાચીમાં રમાશે જ્યારે 12 માર્ચથી રાવલપિંડીમાં બીજી ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. ત્રીજી અને અંતિમ ટેસ્ટ 21 માર્ચે લાહોરમાં શરૂ થશે. ટેસ્ટ સીરિઝ બાદ ત્રણ વન-ડે મેચની સીરિઝ રમાશે. 29 અને 31 માર્ચ તથા 2 એપ્રિલે અનુક્રમે પ્રથમ, બીજી અને ત્રીજી વન-ડે રમાશે. તમામ મેચ લાહોરમાં જ રમાશે. જ્યારે એકમાત્ર ટી20 5 એપ્રિલે લાહોરમાં રમાશે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ એક્ઝિક્યુટિવ નિક હોકલીએ જણાવ્યું હતું કે, આગામી વર્ષે પાકિસ્તાનના પ્રવાસને લઈને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઉત્સાહિત છે. પાકિસ્તાનમાં ક્રિકેટ પ્રત્યેનું ઝનુન જોતા આ સીરિઝ ઘણી જ યાદગાર બની શકે છે. પાકિસ્તાની ટીમ ઘણી જ પ્રતિભાશાળી છે. હાલમાં યુએઈમાં રમાઈ રહેલા ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમના પ્રદર્શનને જોતા તેની ક્ષમતાનો અંદાજ લગાવી શકાય છે.