શનિવારે રાત્રે ક્વીન્સલેન્ડના તાઉંસ્વીલે ખાતે કાર અકસ્માતમાં થયો હતો ગંભીર ઈજાગ્રસ્ત

રમત જગત માટે રવિવારની સવાર ખૂબ જ દુઃખદ સમાચાર લઈને આવી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું અવસાન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્વીન્સલેન્ડમાં એક કાર અકસ્માતમાં તેનું મોત થયું હતું. ઓસ્ટ્રેલિયન મીડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કાર અકસ્માતમાં સાયમન્ડ્સને ઘણી ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાં તેનું હવે મોત થયું છે.

સ્પીડમાં આવતી કાર બેકાબૂ થતાં અકસ્માત

જણાવવામાં આવી રહ્યું છે કે ટાઉન્સવિલેથી 50 કિલોમીટર દૂર હર્વે રેન્જમાં શનિવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે આ અકસ્માત થયો હતો. પ્રાથમિક તપાસમાં પુર ઝડપે આવતી કારને કારણે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત થયો ત્યારે સાયમન્ડ્સ એકલો કાર ચલાવી રહ્યો હતો.

વિશ્વ ક્રિકેટ શોકગ્રસ્ત

અકસ્માતના સમાચાર મળતાં જ ઘટનાસ્થળે પહોંચી બચાવકર્મીઓએ 46 વર્ષીય સાયમન્ડ્સને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેનું મોત થયું હતું. ફોરેન્સિક ટીમ જે જગ્યાએ અકસ્માત થયો તેની તપાસ કરી રહી છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ સહિત વિશ્વભરના ક્રિકેટ ચાહકો માટે એન્ડ્ર્યુ સાયમન્ડ્સ વધુ એક દુઃખદ ફટકો છે. માર્ચમાં શેન વોર્ન અને રોડ માર્શના દુઃખદ અવસાન બાદ સાયમન્ડ્સ આ વર્ષે અચાનક મૃત્યુ પામનાર ત્રીજા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર છે.

લોકોએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી

એન્ડ્ર્યુ સાયમન્ડ્સના મૃત્યુના સમાચાર મળતાની સાથે જ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપવા લોકોનો ધસારો જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ કોચ અને પૂર્વ ક્રિકેટર જેસન નીલ ગિલેસ્પીએ સાયમન્ડ્સના નિધનના સમાચાર પર શોક વ્યક્ત કર્યો છે. તે જ સમયે, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટ ટીમના સાથી એડમ ગિલક્રિસ્ટે પણ સાયમન્ડ્સના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.