જીતવા માટેના ૨૨૬ના પડકાર સામે ઓસ્ટ્રેલિયાના ૪૧ ઓવરમાં ૨૨૭/1, ૧૮ વર્ષની ડાર્સી બ્રાઉનની ચાર વિકેટ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ. મકાય
ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન ડેમાં નવ ઓવર બાકી હતી

નમસ્કાર ગુજરાત ન્યૂઝ. મકાય
ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન ડેમાં નવ ઓવર બાકી હતી, ત્યારે નવ વિકેટથી હારનો સામનો કરવો પડયો હતો.

ઓસ્ટ્રેલિયાએ જીતવા માટેના ૨૨૬ના ટાર્ગેટ સામે ૪૧ ઓવરમાં જ એક વિકેટે ૨૨૭ રન કરતાં મેચ જીતી લીધી હતી. ૧૮ વર્ષની ડાર્સી બ્રાઉને ચાર વિકેટ ઝડપી હતી અને તે પ્લેયર ઓફ ધ મેચ જાહેર થઈ હતી. ભારત તરફથી કેપ્ટન મિતાલી રાજે લડાયક ૬૩ રન નોંધાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ટોસ જીતીને ભારતને બેટીંગમાં ઉતાર્યું હતુ. ભારતની શરૃઆત સારી રહી નહતી અને ૩૮ના સ્કોર સુધીમાં તો બંને ઓપનરો પાછી ફરી હતી. કેપ્ટન મિતાલીએ એક છેડેથી જોરદાર સંઘર્ષ કરતાં ૧૦૭ બોલમાં ૩ ચોગ્ગા સાથે ૬૩ રન કર્યા હતા. તેનો સાથ આપતાં યાસ્તિકા ભાટિયાએ ૩૫, રિચા ઘોષે અણનમ ૩૨ અને ઝુલન ગોસ્વામીએ ૨૦ રન કર્યા હતા. ડાર્સી બ્રાઉને ૩૩ રનમાં ચાર વિકેટ ઝડપી હતી. મોલિનેક્ષ અને ડાર્લિંગટનને ૨-૨ વિકેટ મળી હતી. ભારતે ૮ વિકેટે ૨૨૫ રન કર્યા હતા.

ઓપનર હાયનેસ (૯૩*) અને અલીસા હિલી (૭૭)ની જોડીએ ૧૨૬ રનની ઓપનિંગ ભાગીદારીને સહારે જીતનો પાયો નાંખ્યો હતો. હિલી પૂનમ યાદવનો શિકાર બની હતી. જે પછી કેપ્ટન મેગ લેનિંગે અણનમ ૫૩ રન કરતાં ટીમને જીત અપાવી હતી. હવે બંને દેશો વચ્ચે બીજી વન ડે તારીખ ૨૪મી સપ્ટેમ્બર ને શુક્રવારે રમાશે.

ઓસ્ટ્રેલિયા સળંગ ૨૫મી વન ડે જીત્યું

ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને સળંગ ૨૫મી વન ડે જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી. ઓસ્ટ્રેલિયા છેલ્લે ૨૯ ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ ઈંગ્લેન્ડ સામેની વન ડેમાં ૨૦ રનથી હાર્યું હતુ. જે પછી ૧૨ માર્ચ, ૨૦૧૮ થી લઈને અત્યાર સુધી રમાયેલી સળંગ ૨૫ વન ડેમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે જીત હાંસલ કરી છે. જ્યારે ભારતીય કેપ્ટન મિતાલી રાજે સળંગ પાંચમી વન ડે મેચમાં ૫૦થી વધુ રન ફટકાર્યા હતા.

મિથાલી રાજ.

મિતાલી રાજની કારકિર્દીના ૨૦,૦૦૦ રન પૂરા

ભારતીય કેપ્ટન મિતાલી રાજે ઓસ્ટ્રેલિયા સામેની તેની લડાયક અડધી સદી દરમિયાન ક્રિકેટ કારકિર્દીમાં ૨૦,૦૦૦ રનના માઈલસ્ટોનને પાર કર્યો હતો. મિતાલી મહિલા ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ રન ફટકારવાની સિદ્ધિ ધરાવે છે. મિતાલીને આ સિદ્ધિ બદલ સેલિબ્રિટિસે સોશિયલ મીડિયામાં અભિનંદન પાઠવ્યા હતા.