ઓસ્ટ્રેલિયાએ ટી20 વર્લ્ડ કપ 2024 માટે 15 સભ્યોની ટીમની પણ જાહેરાત કરી છે.
વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન મિશેલ માર્શ ક્રિકેટ જંગના મેદાનમાં ઉતરશે, જે T20 ઈન્ટરનેશનલના ફુલ ટાઈમ કેપ્ટન છે.
ટીમમાં ઘણા એવા ખેલાડીઓને સ્થાન મળ્યું છે કે જેઓ હાલ આ દિવસોમાં ભારતમાં રમાઈ રહેલી IPL 2024માં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.
ટ્રેવિસ હેડ અને ગ્લેન મેક્સવેલ જેવા સ્ટાર ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ સિવાય ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ અને વનડે કેપ્ટન પેટ કમિન્સનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે પેટ કમિન્સ હાલમાં IPL 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદની કમાન સંભાળી રહ્યો છે.
ઓલરાઉન્ડર કેમરન ગ્રીનને પણ ટીમમાં તક આપવામાં આવી છે, જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતી વખતે સારું પ્રદર્શન કરી શક્યા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા 2021માં રમાયેલા T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું હતુ,આવી સ્થિતિમાં આ વખતે પણ ઓસ્ટ્રેલિયા ખિતાબ જીતવાના પ્રબળ દાવેદારોમાંનું એક હશે.
બોર્ડે ટુર્નામેન્ટ માટે ટીમના મોટાભાગના અનુભવી ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
જોકે,ઓસ્ટ્રેલિયાએ IPL 2024માં જબરજસ્ત ઇનિંગ રમી રહેલા જેક ફ્રેઝર મેકગર્કને ટીમમાં સામેલ કર્યો નથી.
મેકગર્કના નામની ખૂબ ચર્ચા થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ માર્કસ સ્ટોઈનિસને તક આપી છે, જે સેન્ટ્રલ કોન્ટ્રાકટનો હિસ્સો નથી.
●T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
મિચેલ માર્શ (કેપ્ટન), પેટ કમિન્સ, એસ્ટન અગર, ટિમ ડેવિડ, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, મેથ્યુ વેડ, ડેવિડ વોર્નર અને એડમ ઝમ્પા.