ભારત WTC ફાઈનલમાંથી બહાર, ઓસ્ટ્રેલિયાની સિડની ટેસ્ટમાં 6 વિકેટે જીત, શ્રેણી 3-1થી જીતી લીધી, IND 185 & 157, AUS 181 & 162/4

ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં રમાયેલી પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં ભારતને છ વિકેટે હરાવ્યું છે. ભારતીય ટીમે કાંગારૂઓને 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ હાર સાથે ભારતે બોર્ડર ગાવસ્કર ટ્રોફી સીરીઝ પણ ગુમાવી દીધી હતી.

ઓસ્ટ્રેલિયાએ આ શ્રેણી 3-1થી જીતી હતી. આ સાથે ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની રેસમાંથી પણ બહાર થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં પહોંચી ગયું છે અને દક્ષિણ આફ્રિકા પહેલાથી જ ક્વોલિફાઈ થઈ ચૂક્યું છે. જૂનમાં લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે WTCની ટાઈટલ મેચ રમાશે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે પ્રથમ દાવમાં 185 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 181 રનમાં સમેટાઈ ગયો હતો. ટીમ ઈન્ડિયાને બીજી ઈનિંગમાં ચાર રનની લીડ મળી હતી. ભારતનો બીજો દાવ 157 રનમાં ઓલઆઉટ થઈ ગયો હતો અને કુલ લીડ 161 રનની થઈ ગઈ હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ સેમ કોન્સ્ટાસ (22), ઉસ્માન ખ્વાજા (41), માર્નસ લાબુશેન (6) અને સ્ટીવ સ્મિથ (4)ની વિકેટ ગુમાવી દીધી હતી.

ટ્રેવિસ હેડ (34) અને બ્યુ વેબસ્ટર (39) એ 46 રનની અણનમ ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાને જીત અપાવી હતી. ભારત બીજા દાવમાં સુકાની જસપ્રીત બુમરાહ વિના હતું. બુમરાહ પીઠની જકડાઈથી પીડાઈ રહ્યો છે. તેની જગ્યાએ વિરાટ કોહલીને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ભારત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ ત્રણ અને સિરાજને એક વિકેટ મળી હતી.

ત્રીજા દિવસે, ભારતને રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર પાસેથી ઘણી અપેક્ષાઓ હતી કે તેઓ તેમને મોટી લીડ પર લઈ જશે. જોકે, સુકાની પેટ કમિન્સે પોતાના સ્વિંગથી ભારતની આશાઓને સંપૂર્ણપણે ખંડિત કરી દીધી હતી. જાડેજા વધુ સમય પિચ પર ટકી શક્યો ન હતો અને વિકેટ પાછળ કેચ થયો હતો. આ પછી તેણે વોશિંગ્ટન સુંદરને પણ આઉટ કરીને ભારતની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. જ્યારે કેપ્ટન જસપ્રિત બુમરાહ બેટિંગ કરવા આવ્યો ત્યારે ભારતીય દર્શકોને થોડી રાહત મળી હતી. ભારતીય ટીમ 157 રન પર પેવેલિયન પહોંચી હતી.

બોલન્ડે પ્રથમ દાવમાં ચાર વિકેટ ઝડપી હતી, પરંતુ આ વખતે તેણે આ આંકડો છ વિકેટ પર પહોંચાડ્યો હતો. ભારતીય બેટ્સમેનોને તેને રમવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો, કારણ કે તે એક જ જગ્યાએથી બોલને અંદર અને બહાર લઈ રહ્યો હતો.