લોટો NZ દ્વારા ફોન આવતા દક્ષિણ ઑકલેન્ડની મહિલાએ ચેક કરી જૂની સ્લિપ; ‘મેજિક બેગ’માંથી નીકળ્યું લાખોનું ઇનામ
Lotto Winner : સાઉથ ઑકલેન્ડની એક મહિલા માટે તેના હેન્ડબેગમાં ભૂલાયેલી જૂની લોટરી ટિકિટ ખરેખર નસીબનો ખજાનો સાબિત થઈ છે. લોટો ન્યૂઝીલેન્ડ (Lotto NZ) તરફથી ફોન આવ્યા બાદ તેણે પોતાની બેગમાં પડેલી ટિકિટો ચેક કરી, જેમાં તેને $500,000 (લગભગ ₹4.1 કરોડ) નું જંગી ઇનામ જીતનારી ટિકિટ મળી આવી.
મહિલા, જેમણે પોતાનું નામ ગુપ્ત રાખવાની વિનંતી કરી છે, તેમનો લોટો NZ ની વિજેતા ટીમે ગયા અઠવાડિયે સંપર્ક કર્યો હતો. તેમને 31 મે, 2025 ના ડ્રોનું અનક્લેમ્ડ લોટો ફર્સ્ટ ડિવિઝન ઇનામ બાકી હોવાની જાણ કરવામાં આવી હતી. મહિલાએ કહ્યું કે તેને યાદ હતું કે તેની બેગમાં કેટલીક ટિકિટો પડી છે, પણ તેણે માની લીધું હતું કે તે પહેલેથી જ ચેક થઈ ગઈ હશે.
વિદેશ પ્રવાસ પણ કર્યો પણ ટિકિટ સુરક્ષિત રહી!
આખરે તેણે પોતાની બેગની ઝીપવાળી પોકેટમાં તપાસ કરી, તો તેને એક બોનસ ટિકિટ મળી – અને તે ટિકિટ વિજેતા છ નંબરો સાથે મેચ થતી હતી.
મહિલાએ કહ્યું, “ફોન પરની વ્યક્તિએ વિજેતા નંબરો વાંચ્યા, જેમ જેમ મેં ટિકિટ પર મેચ કર્યા, તેમ તેમ બધા છ નંબર મેચ થતા ગયા, ત્યારે તેમણે મને પૂછ્યું કે તેનો શું અર્થ થાય છે – પણ મને ખબર નહોતી. પછી તેમણે મને જણાવ્યું કે તે ડ્રોનું ઇનામ $500,000 છે – હું તો આભી બની ગઈ અને લગભગ રડી પડી હતી.”
પોતાના પતિને આ વિશે જણાવ્યા પછી, દંપતીએ MyLotto એપ દ્વારા જીતની પુષ્ટિ કરી. વિજેતા મહિલાએ હસતા હસતા કહ્યું કે આ ટિકિટ તેમની સાથે વિદેશ પ્રવાસ પણ કરી ચૂકી હતી. “હું માની નથી શકતી કે હું મારી બેગમાં $500,000 લઈને ફરી રહી હતી. હવે હું આ બેગને મારી ‘મેજિક બેગ’ કહું છું,” તેમણે કહ્યું.
લોટો NZ એ વિજેતાને તેમના MyLotto એકાઉન્ટ સાથે જોડાયેલા કાર્ડ દ્વારા ટ્રેક કર્યા હતા, જેનાથી ખાતરી થઈ કે ઇનામ યોગ્ય વ્યક્તિને મળ્યું છે. લોટો NZ ના કોમ્યુનિકેશન્સ હેડ વિલ હાઈને જણાવ્યું કે આ રકમ આ દંપતીના જીવનમાં મોટો ફરક લાવશે.