વિવેક ચગ નામના ભારતીય બસ ડ્રાઇવર મેંગરી બસ ડેપોમાં રિવર્સ આવતી બસ અને ઉભેલી બસ વચ્ચે આવી જતા જીવન મરણ વચ્ચે પહોંચ્યું જીવન
નમસ્કાર ગુજરાત ન્યૂઝ ઓકલેન્ડ
ઓકલેન્ડમાં ઓપન વર્ક વિઝા પર બસ ડ્રાઇવર તરીકે કામ કરી રહેલા એક ભારતીય મૂળના 25 વર્ષીય યુવાન વિવેક ચગને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. ઓકલેન્ડના મેંગરી બસ ડેપો ખાતે બે બસ વચ્ચે આવી જતા વિવેક ચગ હાલ જીવન મૃત્યુનો જંગ લડી રહ્યો છે. વિવેક 2019માં ન્યુઝીલેન્ડ આવ્યો હતો અને ત્યારબાદ છેલ્લા 6 મહિનાથી ગો બસ માટે બસ ડ્રાઇવર તરીકેનું કામ કરી રહ્યો હતો. ઘટના આજે સવારે 10 વાગ્યા પહેલા મેંગરીના bader ડ્રાઇવ ખાતેના બસ ડેપો ખાતે ઘટી હતી.
વિવેક પોતાની બસ પાર્ક કરીને નીકળી રહ્યો હતો ત્યાં જ અન્ય એક ડ્રાઇવર દ્વારા બસ રિવર્સ કરવામાં આવી હતી જેની વચ્ચે વિવેક આવી જતા અકસ્માત સર્જાયો હતો. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આખરે અકસ્માત કેવી રીતે થયો. હાલ વિવેકને મિડલમોર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને જ્યાં તેની સર્જરી કરવાની ફરજ પડી હતી. વિવેકના મિત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે ડોક્ટરોએ કહ્યું છે કે તેનું હૃદય અને માથું સલામત છે જોકે તેના શરીરનો નીચેનો હિસ્સો ખરાબ રીતે ઇજાગ્રસ્ત થયો છે.
વિવેકના અન્ય એક મિત્રએ જણાવ્યું હતું કે વિવેકનો પરિવાર અમૃતસરથી છે અને તેમને જાણ કરી દેવામાં આવી છે. તેઓ અહીં ન્યુઝીલેન્ડ આવી શકે તે માટે વિઝાની પ્રોસેસ પણ શરૂ કરી દેવામાં આવી છે. વિવેકે અન્ય નોકરીમાં ઘણી મહેનત કર્યા બાદ તેને બસ ડ્રાઇવર તરીકેની નોકરી મળી હતી. જોકે હજુ સુધી ગો બસ દ્વારા કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી.