12 વર્ષના બાળ લૂંટારુ સહિત ચાર કિશોરોની ધરપકડ કરતી પોલીસ, પોલીસે ‘ઇગલ હેલિકોપ્ટર’ અને કેમેરા ઓપરેટર્સની મદદથી ચોરીની કારનો સમગ્ર ઓકલેન્ડમાં પીછો કરી ધરપકડ
17 વર્ષના એક આરોપી પાસેથી પોલીસે ધારદાર મચેટ (મોટો છરો) જપ્ત કર્યો
ગઈકાલે રાત્રે આશરે ૯ વાગ્યે ઓકલેન્ડના પ્રખ્યાત કરાંગાહાપે રોડ (K-Rd) પર આવેલી એક સુપરેટમાં બે બાલક્લાવા (માસ્ક) પહેરેલા 17 વર્ષના કિશોરો ઘૂસી ગયા હતા. ઓકલેન્ડ સેન્ટ્રલ એરિયા કમાન્ડર ગ્રે એન્ડરસને જણાવ્યું કે, આ કિશોરોએ દુકાનમાં ઘૂસીને દુકાનદાર સાથે અપશબ્દો બોલી ગેરવર્તણૂક શરૂ કરી હતી. તેમાંથી એક લૂંટારુ કાઉન્ટર પર કૂદ્યો હતો, પરંતુ બહાદુર દુકાનદારે હિંમત બતાવીને બંને લૂંટારુઓને દુકાનની બહાર દોડાવ્યા હતા.
પોલીસ કાર્યવાહી અને હેલિકોપ્ટરથી પીછો: લૂંટમાં નિષ્ફળ ગયા બાદ બંને કિશોરો બહાર ઉભેલી એક ચોરીની કારમાં બેસીને ફરાર થઈ ગયા હતા, જેમાં 12 અને 13 વર્ષના અન્ય બે બાળકો પહેલેથી જ બેઠેલા હતા. પોલીસે તુરંત કાર્યવાહી કરતા વેસ્ટર્ન સ્પ્રિંગ્સ વિસ્તારમાં આ કારને ટ્રેક કરી હતી. પોલીસ કેમેરા ઓપરેટર અને ‘ઇગલ હેલિકોપ્ટર’ની મદદથી આખી રાત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તેમનો પીછો કરવામાં આવ્યો હતો. સેન્ટ લુક્સ પાસે બે 17 વર્ષના કિશોરો કારમાંથી ઉતરી ગયા હતા, જેમને પોલીસે પીછો કરીને પકડી પાડ્યા હતા. તેમાંથી એક પાસે ખતરનાક મચેટ પણ મળી આવ્યું હતું.
બાળકોની સંડોવણી અને કાનૂની કાર્યવાહી: બે સાથીદારો પકડાયા હોવા છતાં, 12 અને 13 વર્ષના બાળકો કાર લઈને નોર્થવેસ્ટર્ન મોટરવે પર પશ્ચિમ તરફ ભાગ્યા હતા. અંતે પોલીસે તે અટાટુ રોડ (Te Atatū Rd) પર કાર રોકીને બંને બાળકોને કસ્ટડીમાં લીધા હતા. આ બંને બાળકોને હાલ ‘યુથ એઇડ’ (Youth Aid) ને સોંપવામાં આવ્યા છે. જ્યારે 17 વર્ષના બંને કિશોરો પર વાહનની ચોરીનો સંયુક્ત ગુનો નોંધવામાં આવ્યો છે. હથિયાર રાખનાર કિશોરને આજે ઓકલેન્ડ યુથ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.