ડેસ્ટિની ચર્ચના વિરોધ પ્રદર્શનને પગલે પોલીસનો મોટો કાફલો તૈનાત; કોઈની ધરપકડ કરવામાં આવી નથી, વિક્ટોરિયા પાર્કમાં અંદાજે 1,200 જેટલા લોકો એકઠા થયા હતા

ઓકલેન્ડ (31 જાન્યુઆરી 2026): ઓકલેન્ડના વિક્ટોરિયા પાર્કથી શરૂ થયેલા ઇમિગ્રેશન વિરોધી રેલીના પ્રદર્શનકારીઓને પોલીસે મોટરવે પર પ્રવેશતા અટકાવ્યા હતા. ડેસ્ટિની ચર્ચના નેતા બ્રાયન તામાકીની આગેવાનીમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનને પગલે તકેદારીના ભાગરૂપે લાદવામાં આવેલા તમામ રોડ બ્લોકેજ હવે હટાવી લેવામાં આવ્યા છે અને વાહનવ્યવહાર પૂર્વવત થયો છે.
પોલીસની કડક કાર્યવાહી: સુપરિન્ટેન્ડન્ટ નાઈલા હસને જણાવ્યું હતું કે, વિક્ટોરિયા પાર્કમાં અંદાજે 1,200 જેટલા લોકો એકઠા થયા હતા. આ પ્રદર્શનકારીઓ ફેનશો સ્ટ્રીટ (Fanshawe St) તરફ આગળ વધ્યા હતા, જ્યાં પોલીસે પહેલેથી જ કિલ્લાબંધી કરી રાખી હતી. સ્ટેટ હાઈવે-1 પર દક્ષિણ તરફ જતા ટ્રાફિકને થોડા સમય માટે રોકી દેવામાં આવ્યો હતો જેથી વધારાની પોલીસ ફોર્સને અટકાયતી પગલાં માટે ખસેડી શકાય.
બ્રિજ પર જવાની મંજૂરી ન મળી: પ્રદર્શનકારીઓનો મૂળ પ્લાન ઓકલેન્ડ હાર્બર બ્રિજ ઓળંગવાનો હતો, પરંતુ ટ્રાફિક મેનેજમેન્ટના નિયમોને કારણે અગાઉથી જ પરવાનગી નકારવામાં આવી હતી. પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો કોઈ બ્રિજ પર જવાનો પ્રયાસ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની સતર્કતાને કારણે પ્રદર્શનકારીઓ મોટરવે પર પ્રવેશી શક્યા નહોતા અને થોડી વારમાં વિખેરાઈ ગયા હતા.
પોલીસ વિભાગે ગર્વ વ્યક્ત કર્યો હતો કે આ ઓપરેશન ખૂબ જ વ્યાવસાયિક રીતે પાર પડ્યું છે અને આખા દિવસ દરમિયાન કોઈની ધરપકડ કરવાની જરૂર પડી નથી. ઓકલેન્ડના નાગરિકો કોઈપણ મોટી મુશ્કેલી વગર પોતાનું વીકેન્ડ માણી શક્યા હતા.