ફ્રેડરિક હોબસન બુધવારે ઓકલેન્ડની હાઈકોર્ટમાં હાજર થયો હતો અને તેણે જનક પટેલની હત્યા માટેનો ગુનો કબૂલ્યો

Photoby stuff

નવસારીના વડોલી ગામના યુવકના પરિવારને આખરે મળ્યો ન્યાય, આરોપીએ ગુનો કબૂલ્યો, હવે 26 જૂને થશે સજા

નમસ્કાર ગુજરાત ન્યુઝ
ડેરી વર્કર જનક પટેલને જીવલેણ છરા માર્યા બાદ હત્યાનો આરોપ લગાવવામાં આવેલા એક શખ્સે ગુનો કબૂલ્યો છે. ફ્રેડરિક હોબ્સન બુધવારે ઓકલેન્ડ ખાતે હાઈકોર્ટમાં હાજર થયો હતો અને તેણે હત્યા અને છરી વડે ઉગ્ર લૂંટના આરોપ માટેનો ગુનો કબૂલ્યો હતો.

જસ્ટિસ મેથ્યુ ડાઉન્સે તેને 26 જૂને સજા માટે હાજર થવા માટે કસ્ટડીમાં રિમાન્ડ પર મોકલ્યો હતો. હેમિલ્ટનના જનક પટેલ પર 23 નવેમ્બર, 2022ના રોજ ઓકલેન્ડના સેન્ડ્રિંગહામમાં રોઝ કોટેજ સુપરેટની નજીકની સ્ટ્રીટમાં હુમલો કરવામાં આવ્યો હતો અને બાદમાં તેનું મૃત્યુ થયું હતું. જનક પટેલના મૃત્યુના સંબંધમાં અન્ય બે સામે મે મહિનામાં ટ્રાયલ થવાની છે.

જનક પટેલના અવસાનથી સેંડરિંગહામ સમુદાય હચમચી ગયો હતો. રોઝ કોટેજ સુપરેટની સામે ડઝનબંધ ફૂલો અને કેપસેક દ્વારા જનક પટેલને શ્રધ્ધાંજલિ અપાઇ હતી. જનક પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકોએ દેશભરમાં વિરોધ પ્રદર્શન યોજ્યા હતા.

ક્યારે બની હતી ઘટના ?
નવસારીના કાસ્બાપાર ગામના વતની ઓકલેન્ડ ખાતે રહેતા ધર્મેશભાઈ મગનભાઈ પટેલ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે 15 દિવસ માટે ન્યુઝીલેન્ડથી ગુજરાત વતને આવ્યા હતા. જ્યાં તેમણે ઓકલેન્ડ ખાતે આવેલી દુકાન ચલાવવા માટે જનક પટેલને આપી હતી.

તે સમયગાળા દરમિયાન જનક પટેલ અને તેની પત્ની વિજેતા સાથે છેલ્લા આઠ મહિનાથી ઓકલેન્ડ ખાતે દુકાન ચલાવવા માટે આવ્યા હતા. તે દરમિયાન અચાનક લૂંટારુઓ ત્રાટકયા હતા અને જનક પટેલ અને તેમની પત્નીને ચપ્પુ બતાવી દુકાનમાં રાખેલા ડોલર અને દુકાનના માલસામાનની લૂંટ ચલાવી રહ્યા હતા.  બીજી બાજુ લૂંટારુંનો સામનો કરવા જતા એક લૂંટારુએ જનક પટેલ પર ચપ્પું વડે હુમલો કરી ઉપરા છાપરી પેટના ભાગે તથા ગાળાના ભાગે અને પગમાં આઠથી દસ જેટલા ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા.