ફ્રાન્સમાં કેદીને લઈને જઈ રહેલી પોલીસવાન ઉપર કેટલાક સશસ્ત્ર ઈસમોએ હુમલો કરીને બે ગાર્ડની ગોળી મારી હત્યા કર્યા બાદ પોલીસ કસ્ટડીમાં રહેલા એક કેદીને છોડાવીને ભાગી જવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ફિલ્મી સ્ટાઈલમાં કારમાં ધસી આવેલા સશસ્ત્ર ઈસમોએ પહેલા પોલીસ વાન ને ટક્કર મારી પોલીસ કાફલા પર હુમલો કર્યો અને ત્યારપછી પોલીસ કસ્ટડીમાં રહેલા કેદીને છોડાવી તેઓના વાહનમાં ભાગી ગયા હતા.

પોલીસે જણાવ્યું હતું કે સમગ્ર યુરોપમાં ડ્રગ સંબંધિત હિંસાની વધતી ઘટનાઓ વચ્ચે સુનિયોજિત હુમલો થયો છે,આ ઘટના ઉત્તરી ફ્રાન્સના યુરે પ્રદેશમાં ઇન્કારવિલેમાં એક ટોલ બૂથ પર સવારે 9 વાગ્યે બની હતી. 

આ હુમલામાં બે ગાર્ડના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. આ ઘટનાથી આખું ફ્રાંસ ચોંકી ગયું છે કારણ કે ત્યાં આવી ઘટનાઓ બહુ ઓછી જોવા મળે છે.

હાલ પોલીસ આરોપીઓને શોધવામાં વ્યસ્ત છે.

ફ્રાન્સના ન્યાય પ્રધાન એરિક ડુપોન્ડ મોરેટીએ જણાવ્યું કે પોલીસ એક કેદીને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલમાં શિફ્ટ કરવા પોલીસ વાનમાં લઈને જઈ રહી હતી તે સમયે એક કાળા રંગની SUV કારે પહેલા પોલીસના વાહનને ટક્કર મારી હતી, ત્યારબાદ બીજી કારમાંથી કેટલાક હથિયારધારી ઈસમો નીચે ઉતર્યા હતા અને પોલીસ વાન પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
અચાનક થયેલા હુમલામાં પોલીસકર્મીઓને સ્વસ્થ થવાની તક મળી ન હતી.
આ હુમલામાં બે ગાર્ડ માર્યા ગયા હતા અને અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ પછી ગુનેગારો કેદીને લઈને ફરાર થઈ ગયા હતા જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
નોંધનીય છે કે ફ્રાન્સમાં આવી ઘટનાઓ ભાગ્યેજ જોવા મળે છે.
આ પહેલા વર્ષ 1992માં જેલ ગાર્ડની હત્યા થઈ હોવાની ઘટના બની હતી ત્યારબાદ આ બીજી ઘટના છે કે જેમાં બે ગાર્ડની હત્યા થઈ છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોને પણ આ ઘટનાની નિંદા કરી અને સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું કે ગુનેગારોને સખત સજા આપવામાં આવશે.
ફ્રાન્સના ન્યાય પ્રધાન મોરેટીએ લખ્યું કે ગુનેગારો માટે માનવ જીવનની કોઈ કિંમત નથી તેમની ધરપકડ કરવામાં આવશે અને કડક સજા કરવામાં આવશે.

ફ્રાન્સના આંતરિક બાબતોના મંત્રીએ કહ્યું કે ગુનેગારોને પકડવા માટે પોલીસકર્મીઓ તપાસમાં તૈનાત કરવામાં આવ્યા છે.
હુમલા બાદ ભાગી છૂટેલા કેદીની ઓળખ 30 વર્ષીય મોહમ્મદ આમરા તરીકે થઈ છે.
મોહમ્મદ અમરા ફ્રેન્ચ ક્રાઈમ જગતનું જાણીતું નામ છે. આમરાને 13 કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે અને મોટા ભાગના ગુનાઓ ચોરી અને મારામારી સંબંધિત છે.