બંને નેતાઓ કેજરીવાલ સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે સામેલ, મનીષ સિસોદિયા બાદ ખાલી પડ્યા હતા કેટલાક મંત્રીમંડળ
આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સૌરભ ભારદ્વાજ અને આતિશીએ ગુરુવારે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા. સૌરભ ભારદ્વાજ અને આતિશીએ દિલ્હીના એલજી હાઉસમાં મંત્રી તરીકે શપથ લીધા હતા. આતિશીને શિક્ષણ, PWD, વીજળી, પ્રવાસન વિભાગ મળ્યું છે. બીજી તરફ સૌરભ ભારદ્વાજને આરોગ્ય, યુડી, પાણી, ઉદ્યોગોની જવાબદારી સોંપવામાં આવી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે દિલ્હી સરકારના અન્ય મંત્રીઓ પણ હાજર હતા.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ થયા બાદ મનીષ સિસોદિયાએ નાયબ મુખ્યમંત્રી પદેથી તેમજ અન્ય મંત્રીઓના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમની સાથે સત્યેન્દ્ર જૈને પણ સ્વાસ્થ્ય મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. સીએમ કેજરીવાલે બંનેના રાજીનામાનો સ્વીકાર કરી લીધો હતો. આ પછી તેને રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યું, જ્યાં સિસોદિયા અને જૈનના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો. આ સાથે દિલ્હી સરકાર દ્વારા નવા મંત્રીઓના પદ માટે AAP ધારાસભ્યો સૌરભ ભારદ્વાજ અને આતિશીના નામ મોકલવામાં આવ્યા હતા, જેને મંજૂરી આપવામાં આવી હતી. આ પછી ગુરુવારે સૌરભ ભારદ્વાજ અને આતિશીએ મંત્રી તરીકે શપથ લીધા.
કોણ છે સૌરભ ભારદ્વાજ?
જણાવી દઈએ કે સૌરભ ભારદ્વાજ દિલ્હીની ગ્રેટર કૈલાશ વિધાનસભાથી ધારાસભ્ય છે. સૌરભ ભારદ્વાજ સતત ત્રીજી વખત ધારાસભ્ય બન્યા છે. અગાઉ વર્ષ 2013માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. સૌરભ ભારદ્વાજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે. સરકાર અને સંગઠન બંનેમાં સારો અનુભવ ધરાવતા સૌરભ ભારદ્વાજની ગ્રેટર કૈલાશ વિધાનસભામાં પણ સારી પકડ છે. સૌરભ ભારદ્વાજ દિલ્હી જલ બોર્ડના ઉપાધ્યક્ષ પણ છે.
આતિશી કાલકાજી વિધાનસભાના ધારાસભ્ય
બીજી તરફ, ધારાસભ્ય આતિશી વર્ષ 2020ની વિધાનસભા ચૂંટણીમાં કાલકાજી વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી જીત્યા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. અગાઉ 2019માં આતિશીએ પૂર્વ દિલ્હીથી ભાજપના ગૌતમ ગંભીર સામે લોકસભાની ચૂંટણી પણ લડી હતી, પરંતુ તે જીતી શકી ન હતી. સરકારની એજ્યુકેશન પોલિસી તૈયાર કરવામાં આતિશીનું મહત્વનું યોગદાન છે.