India vs Pakistan : એશિયા કપમાં ભારતનો દબદબો યથાવત, પાકિસ્તાન પર 6 વિકેટે વિજય, અભિષેક શર્માના તોફાની 74 રન, ગિલ-અભિષેકની શતકીય ભાગીદારીથી ભારતે 19મી ઓવરમાં જ મેળવી જીત

Asia Cup, Super 4ની મેચમાં પણ ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને કારમી હાર આપી છે. ગ્રુપ મેચમાં 7 વિકેટથી જીત્યા બાદ, ભારતે સતત બીજી વાર પાકિસ્તાનને માત આપી છે. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ભારત સામે 172 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો, જેને ભારતીય ટીમે 19મી ઓવરમાં જ હાંસલ કરી લીધો.

ભારતની બેટિંગ: 172 રનના લક્ષ્યાંકનો પીછો કરવા માટે શુભમન ગિલ અને અભિષેક શર્મા ઓપનિંગ બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતર્યા. અભિષેકે તો પહેલી જ બોલ પર સિક્સર ફટકારીને ધમાકેદાર શરૂઆત કરી. બંને ઓપનર્સે પાકિસ્તાની બોલરોની આકરી ધોલાઈ કરી. માત્ર 5 ઓવરમાં જ ભારતનો સ્કોર 55-0 હતો અને 9મી ઓવરમાં જ સદી પૂરી થઈ ગઈ. અભિષેકે ફક્ત 24 બોલમાં પોતાની અડધી સદી ફટકારી. જોકે, 10મી ઓવરમાં ભારતને પહેલો ઝટકો લાગ્યો જ્યારે ગિલ 47 રન બનાવીને આઉટ થયા. ત્યારબાદ કેપ્ટન સૂર્યા શૂન્ય પર આઉટ થયા અને અભિષેક પણ 74 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. આ પછી તિલક વર્મા અને હાર્દિક પંડ્યાએ બાકીની રન સંખ્યા પૂરી કરીને 19મી ઓવરમાં ભારતને વિજય અપાવ્યો. આ એશિયા કપમાં ભારતની સતત ચોથી અને પાકિસ્તાન સામે બીજી જીત છે.

પાકિસ્તાનની બેટિંગ: પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની શરૂઆત ફખર જમાન અને ફરહાન દ્વારા થઈ. જોકે, હાર્દિક પંડ્યાએ પોતાની બીજી જ ઓવરમાં ફખરને 15 રન પર આઉટ કર્યા. આ પછી, સેમ અયુબ બેટિંગ માટે આવ્યા અને ફરહાન સાથે બીજી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી. શિવમ દુબેએ સેમ અયુબને 21 રન પર આઉટ કરીને આ ભાગીદારી તોડી. ત્યારબાદ કુલ્દીપ યાદવે પણ એક વિકેટ લીધી. ફરહાને 58 રનની શાનદાર ઇનિંગ્સ રમી. પાકિસ્તાને 20 ઓવરમાં 5 વિકેટે 171 રન બનાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ મેચમાં ભારતીય ફિલ્ડિંગ નબળી રહી હતી અને 4 આસાન કેચ છોડવામાં આવ્યા હતા. આ મેચ માટે ભારતીય ટીમમાં બુમરાહ અને વરુણ ચક્રવર્તીનું પુનરાગમન થયું હતું.