એશિયા કપ વચ્ચે ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, ઘૂંટણની ઇજાને કારણે જાડેજા ટીમ ઇન્ડિયા વતન પરત ફરશે
UAEમાં એશિયા કપ રમી રહેલી ટીમ ઈન્ડિયાને ટૂર્નામેન્ટની વચ્ચે જ મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે. જાડેજાએ પાકિસ્તાન સામેની મેચમાં બેટથી શાનદાર રમત બતાવતા 35 રનની ઇનિંગ રમી હતી.
બીસીસીઆઈએ જણાવ્યું હતું કે, “ઓલ ઈન્ડિયા સિલેક્શન કમિટીએ ચાલુ એશિયા કપ માટે રવીન્દ્ર જાડેજાની જગ્યાએ અક્ષર પટેલનું નામ આપ્યું છે.” રવિન્દ્ર જાડેજાના જમણા ઘૂંટણમાં ઈજા થઈ છે અને તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. હાલમાં તે BCCIની મેડિકલ ટીમની દેખરેખમાં છે. તેના સ્થાને અક્ષર પટેલ જેને અગાઉ ટીમમાં સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવ્યો હતો તે ટૂંક સમયમાં દુબઈમાં ટીમમાં જોડાશે.
આઈપીએલ 2022 દરમિયાન પણ રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થયો હતો જેના કારણે તેણે કેટલીક મેચોમાંથી બહાર રહેવું પડ્યું હતું. ત્યારબાદ જાડેજાએ ઈંગ્લેન્ડ પ્રવાસ દ્વારા મેદાન પર પુનરાગમન કર્યું હતું. ત્યારથી તે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. હવે તેની બહાર નીકળવું ટીમ ઈન્ડિયા માટે મોટો આંચકો માનવામાં આવે છે.
ભારતીય ચાહકો હવે રવીન્દ્ર જાડેજાના સ્થાને ટીમમાં સામેલ કરાયેલા અક્ષર પટેલ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે. વિન્ડીઝના તાજેતરના પ્રવાસ પરની બીજી વનડે મેચમાં અક્ષરે અણનમ 64 રનની મેચવિનિંગ ઇનિંગ્સ રમી હતી. તે મેચમાં 311 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે 80 રનની અંદર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ શ્રેયસ અય્યર અને અક્ષર પટેલની શાનદાર બેટિંગે ભારતને જીત અપાવી હતી. અક્ષરે T20 ઇન્ટરનેશનલમાં પણ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું, તેણે શ્રેણી પૂરી કરવા માટે કુલ સાત વિકેટ લીધી હતી.