હું ભલે કોંગ્રેસમાંથી ત્રણ વખત જીત્યો પરંતુ મારા મનમાં તો મોદી’- અશ્વિન કોટવાલ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
કોંગ્રેસમાંથી વધુ એક ધારાસભ્યએ કેસરિયા કર્યા છે. કોંગ્રેસના ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ કેટલાક સમયથી નારાજ ચાલી રહ્યા હતા અને આખરે કોંગ્રેસને અલવિદા કહીને ભાજપમાં આજે વિધિવત રીતે જોડાઇ ગયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે કોટવાલને કેસરિયો ખેસ અને ટોપી પહેરાવીને પક્ષમાં વિધિવત રીતે સામેલ કર્યા હતા. આ સાથે જ કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીના ભણકારા વચ્ચે આદિવાસી નેતાને ખોવાનો વારો આવ્યો છે.
ઘણાં સમયથી હતો કોંગ્રેસથી નારાજ- કોટવાલ
અશ્વિન કોટવાલે મીડિયાને સંબોધતા જણાવ્યુ હતુ કે, ખેડબ્રહ્માથી હું છેલ્લા ત્રણ વર્ષથી ચૂંટાતો આવ્યો છું. વડા પ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે મેં વાત કરી હતી કે એનજીઓ આદિવાસીઓનું શોષણ કરે છે. 2007માં વિધાનસભાની ચૂંટણી લડ્યો ત્યારે મોદીએ ગુજરાતમાં જે કામગીરી કરી, ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં.” ” હું ભલે કૉંગ્રેસમાંથી ત્રણ વખત ચૂંટાયો, પણ મારા દિલમાં નરેન્દ્ર મોદી વસેલા હતા.” ખેડબ્રહ્મા સીટ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનો ગઢ રહી છે. અહીં કોંગ્રેસ 3-4 ટર્મથી જીતતી આવી છે. અશ્વિન કોટવાલની આગેવાનીમાં કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં સારું પ્રભુત્વ મેળવી રહી છે.
ભિલોડા બેઠક પણ કોંગ્રેસ ગુમાવે તેવી શક્યતા
બીજી તરફ, ભિલોડાના સ્વર્ગસ્થ ધારાસભ્ય ડો. અનિલ જોશિયારાના પુત્ર કેવલ જોશિયારા પણ ભાજપમાં જોડાવા માટે જઈ રહ્યા છે. ડો. અનિલ જોશિયારા કોરોનાની ત્રીજી લહેર દરમિયાન સંક્રમિત થયા હતા અને લાંબી સારવાર બાદ તેમનું નિધન થયું હતું. તેમની સારવાર દરમિયાન રાજ્ય સરકારે તેમનો ખર્ચ ઉપાડ્યો હતો. તેમને પહેલા અમદાવાદ અને બાદમાં ચેન્નઈ ખસેડવામાં આવ્યા હતા. હવે તેમના અવસાન બાદ તેમની સીટ ખાલી પડેલી છે.