બીજી ટેસ્ટ બાદ હવે ઓસ્ટ્રેલિયા સિરીઝમાં 2-0થી આગળ, 371 રનના લક્ષ્ય સામે ઇંગ્લેન્ડ 327 રનમાં ઓલઆઉટ, બેન સ્ટોક્સે 9 ચોગ્ગા, 9 છગ્ગા સાથે 155 રન ફટકાર્યા, બેન ડકેટ્સ 83 રન
લંડનઃ ઓસ્ટ્રેલિયાએ એશિઝ શ્રેણી 2023ની બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 43 રને હરાવ્યું છે. ટેસ્ટમાં પોતાની બેઝબોલ રમતના કારણે ચર્ચામાં આવેલી ઈંગ્લેન્ડની ટીમે મેચમાં ઓસ્ટ્રેલિયાને જોરદાર ટક્કર આપી હતી પરંતુ કેપ્ટન બેન સ્ટોક્સ આઉટ થતાની સાથે જ તેની તમામ આશાઓ તુટી ગઈ હતી. મેચની ચોથી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સામે જીત માટે 371 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ યજમાન ટીમ ચાના વિરામ પહેલા જ સ્કોર કરતા ઓછી થઇ ગઇ હતી.
બેન ડકેટ અને સુકાની બેન સ્ટોક્સે બીજી ટેસ્ટના અંતિમ દિવસે ઇંગ્લેન્ડ માટે 115 રનની ઇનિંગની આગેવાની કરી હતી. ડકેટ અને સ્ટોક્સે દિવસની શરૂઆત શાનદાર રીતે કરી હતી, પરંતુ આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડે ડકેટને આઉટ કરીને પોતાની ટીમને વાપસી કરાવી હતી. આ પછી બેન સ્ટોક્સે ઇનિંગ્સને સંભાળી હતી. દરમિયાન શૂન્ય બાદ બેટિંગ કરવા ઉતરેલ જોની બેરસ્ટો કમનસીબે રનઆઉટ થયો હતો.
જોકે સ્ટોક્સ એક છેડેથી ઓસ્ટ્રેલિયન બોલરોને પછાડતો રહ્યો. એકલા હાથે ઈંગ્લેન્ડને મેચમાં રોકી રાખ્યું હતું પરંતુ તે પણ 155 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તે આઉટ થતાની સાથે જ યજમાન ટીમની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું હતું અને સમગ્ર ટીમ લક્ષ્યાંક પહેલા જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવમાં લીડ મળી હતી
ઈંગ્લેન્ડ સામેની આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટિંગ કરતા સ્ટીવ સ્મિથની સદીની મદદથી 416 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ સ્કોરના જવાબમાં ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં 325 રન બનાવ્યા હતા. આ રીતે ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવના આધારે 91 રનની મજબૂત લીડ મળી હતી.
ઈંગ્લેન્ડ માટે પણ પ્રથમ દાવમાં બેન ડકેટે 98 રનની શાનદાર ઈનિંગ રમી હતી અને તે માત્ર બે રનથી પોતાની સદી ચૂકી ગયો હતો. આ સિવાય હેરી બ્રુકના 50 રન અને જેક ક્રાઉલીના 48 રનની ઈનિંગ બેટિંગમાં આવી હતી.
આ સાથે જ બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમે ઉસ્માન ખ્વાજાની જોરદાર સદીની ઇનિંગની મદદથી 279 રનનો સ્કોર બનાવ્યો હતો. આ રીતે પ્રથમ દાવમાં 91 રનની લીડના કારણે કાંગારૂ ટીમે યજમાન ઈંગ્લેન્ડ સામે 371 રનનો મજબૂત લક્ષ્યાંક રાખ્યો હતો.
સ્ટોક્સે ચોથી ઇનિંગ્સમાં તોફાની સદી ફટકારી
ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે રમતના પાંચમા દિવસના લંચ બ્રેક પહેલા પોતાની સદી પૂરી કરી લીધી હતી. લંચ બ્રેકના સમયે ઈંગ્લેન્ડે છ વિકેટે 243 રન બનાવ્યા હતા. લંચ બ્રેક પછી પણ સ્ટોક્સની તોફાની બેટિંગ ચાલુ રહી અને તેણે ટીમનો સ્કોર 300 રનની પાર પહોંચાડ્યો. જોકે તે 155 રન બનાવીને આઉટ થયો હતો.
આ પહેલા ઓસ્ટ્રેલિયાએ દિવસના પ્રારંભિક સત્રમાં બેન ડકેટ (83) અને જોની બેરસ્ટો (10)ને આઉટ કર્યા હતા. બેયરસ્ટો વિવાદાસ્પદ રીતે રનઆઉટ થયો હતો જે બાદ સ્ટેડિયમમાં સ્થાનિક લોકોએ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પર ફાઉલ પ્લેનો આરોપ લગાવ્યો હતો. જ્યારે ટીમના ખેલાડીઓ લંચ બ્રેક માટે પેવેલિયન તરફ જઈ રહ્યા હતા ત્યારે પણ દર્શકો ‘ધોકેબાઝ, ધોકેબાઝ’ ના નારા લગાવી રહ્યા હતા.
ઓસ્ટ્રેલિયન ખેલાડીને ડ્રેસિંગ રૂમમાં જતા સમયે ‘લોંગ રૂમ’માં એક દર્શક દ્વારા ગાળો પણ આપવામાં આવી હતી. બેયરસ્ટોએ કેમરોન ગ્રીનના બાઉન્સર બોલને વિકેટકીપરના હાથમાં જવા દીધો. આ પછી, બોલ ‘ડેડ’ થાય તે પહેલા જ, તે ક્રિઝ છોડીને બીજા છેડે ઉભેલા તેના પાર્ટનર પાસે ગયો, આ દરમિયાન વિકેટકીપર એલેક્સ કેરીએ બોલને સ્ટમ્પ પર માર્યો હતો અને બેયરસ્ટો રનઆઉટ થયો હતો.
આનાથી બેયરસ્ટો ચોંકી ગયા અને મેદાન પરના અમ્પાયરે થર્ડ અમ્પાયર તરફ ઈશારો કર્યો. રિપ્લે જોયા બાદ થર્ડ અમ્પાયરે તેને આઉટ કર્યો હતો. બેયરસ્ટો નિરાશામાં માથું હલાવી પેવેલિયન તરફ ચાલ્યો. સ્ટોક્સે મેદાન પરના અમ્પાયરોની સામે આ નિર્ણય સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.