26 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધીમાં 100 આંતરરાષ્ટ્રીય અને 450 ડોમેસ્ટિક ફ્લાઇટ સહિત 550 ફ્લાઇટનું સંચાલન કર્યું
વિશ્વના ધનાઢ્ય વ્યક્તિમાં સામેલ એવા મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન જુલાઇ મહિનામાં થવાના છે. પરંતુ તેમના લગ્ન પહેલા પ્રી વેડિંગ જલસો જામનગર ખાતે રાખવામાં આવ્યો હતો. આ જલસામાં સામેલ થવા માટે વિશ્વભરના ધનાઢ્ય લોકો તથા સેલિબ્રિટીઝ જામનગરમાં અંબાણી પરિવારના મહેમાન બન્યા હતા. જે દરમિયાન જામનગર એરપોર્ટની ચહેલ પહેલ રેકોર્ડ બ્રેક રહી હતી. જામનગર એરપોર્ટ ઓથોરિટીએ ટ્વિટ દ્વારા માહિતી આપી હતી કે જામનગર એરપોર્ટ પર અંદાજે 550 ફ્લાઇટનું 26 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં 100 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો પણ સમાવેશ થાય છે. આમ છેલ્લા 10 દિવસ માટે જામનગર એરપોર્ટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બન્યું હતું.
આંતરરાષ્ટ્રીય મહેમાનોની સુવિધા માટે કેન્દ્ર સરકારે જામનગર એરપોર્ટને અસ્થાયી ધોરણે 10 દિવસ માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપ્યો છે. જેની કોંગ્રેસ દ્વારા ટીકા પણ કરવામાં આવી હતી. ભારતીય વાયુસેના દ્વારા અસ્થાયી ધોરણે આ દરજ્જો આપવામાં આવ્યો છે, જે 25 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી લાગુ રહશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય, નાણાં મંત્રાલય અને ગૃહ મંત્રાલયે એરપોર્ટ પર કસ્ટમ, ઇમિગ્રેશન અને ક્વોરેન્ટાઇન (CIQ) સુવિધા સ્થાપિત કરી હતી.
સમારોહના પ્રથમ દિવસે એટલે કે સૌથી વધુ ૧ માર્ચના રોજ ૧૬૦ ફ્લાઈટનું મુવમેન્ટ થયું હતું.