ED દ્વારા દિલ્હીના CM કેજરીવાલની થયેલી ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પ્રદર્શન કરી રહયા છે, પાર્ટીના કાર્યકરો પટેલ ચોક મેટ્રો સ્ટેશનની બહાર એકઠા થવા લાગ્યા છે.

દિલ્હી પોલીસ દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી છે,આવી સ્થિતિમાં કોઈને વિરોધ કરવાની છૂટ નથી ત્યારે વિરોધ પ્રદર્શન કરી રહેલા
પંજાબ સરકારના મંત્રી અને AAP નેતા હરજોત સિંહ બેન્સને દિલ્હી પોલીસે પટેલ ચોક મેટ્રો સ્ટેશનની બહારથી અટકાયતમાં લીધા છે.

આ બધા વચ્ચે, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ED કસ્ટડીમાંથી વધુ એક આદેશ કર્યો છે.
આ આદેશ આરોગ્ય વિભાગ સાથે જોડાયેલ છે.
અગાઉ પણ કેજરીવાલે પ્રથમ આદેશ આપી પાણી પ્રધાન આતિશીને શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી અને ગટર સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું.
હવે જનતા માટે બીજો આદેશ આપ્યો છે જે અંગે મંત્રી સૌરભ ભારદ્વાજે જાહેરાત કરી કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ED કસ્ટડીમાંથી નિર્દેશ આપ્યો છે કે મોહલ્લા ક્લિનિક્સમાં મફત દવાઓની કોઈ અછત ન હોવી જોઈએ અને દવાઓનો પુરવઠો જળવાઈ રહે તે માટે સૂચના આપી છે.

આમ આદમી પાર્ટીના પ્રદર્શનની જાહેરાતને ધ્યાનમાં રાખીને દિલ્હી ટ્રાફિક પોલીસે રાજધાનીના મધ્ય ભાગમાં વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકીને વિશેષ વ્યવસ્થા કરી છે. દિલ્હી ટ્રાફિક પોલીસે એક એડવાઈઝરીમાં જણાવ્યું છે કે મધ્ય દિલ્હીમાં ટ્રાફિકને અસર થશે. આ સિવાય તુલગાક રોડ, સફદરજંગ રોડ અને કમલ અતાતુર્ક માર્ગ પર વાહનોના પાર્કિંગની મંજૂરી આપવામાં આવશે નહીં.