અમેરિકાના શિકાગોથી વધુ એક ભારતીય વિદ્યાર્થી ગુમ થયો છે.
વિદ્યાર્થીની ઓળખ રૂપેશ ચંદ્ર ચિંતકિંડી તરીકે થઈ છે, જે 2 મેથી ગુમ છે.

25 વર્ષીય માસ્ટર્સ સ્ટુડન્ટ રૂપેશ ચંદ્ર ચિંતકીંડી ભારતના હૈદરાબાદનો વતની છે જે શિકાગોના એન શેરિડન રોડના 4300 બ્લોકમાંથી તા. 2 મેના રોજથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયો છે.

તેના પરિવારજનોના જણાવ્યા મુજબ રૂપેશ ચિંતાકિંદીએ તેના પિતા સાથે છેલ્લીવાર 2 મેના રોજ વાત કરી હતી. ત્યારે તેણે કહ્યું હતું કે તે કંઈક કામ કરી રહ્યો છે ત્યારબાદ તેનો સંપર્ક થઈ શક્યો નહતો અને ત્યારથી તેનો ફોન ઑફલાઇન આવે છે.

આ ઘટનાને પગલે તેનો ભારતમાં રહેતો પરિવાર ચિંતાતુર બન્યો છે.

શિકાગો પોલીસ તપાસ શરૂ કરી છે અને લોકોને અપીલ કરી છે કે જો તેમને રૂપેશ વિશે કોઈ માહિતી મળે તો પોલીસને જણાવે.

શિકાગોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ અને સ્થાનિક પોલીસ વિસ્કોન્સિનની કોનકોર્ડિયા યુનિવર્સિટીના માસ્ટરના વિદ્યાર્થી રૂપેશ ચિંતકિંદીને શોધવાનો પ્રયાસ કરી રહી છે.
શિકાગોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું હતું કે, “કોન્સ્યુલેટ એ જાણીને ખૂબ જ ચિંતિત છે કે ભારતીય વિદ્યાર્થી રૂપેશ ચંદ્ર ચિંતકીંડી 2 મેથી સંપર્કમાં નથી.” તે રૂપેશ સાથે સંપર્ક સ્થાપિત કરવાની આશા રાખે છે,”
અત્રે ઉલ્લેખનીય છે અમેરિકામાં સ્ટડી કરવું એ ભારતીય વિદ્યાર્થીઓ માટે એક સપનું રહ્યું છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ સપનું દુઃસ્વપ્ન બની રહ્યું છે.

વાસ્તવમાં, અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના ગુમ થવા અથવા હત્યાની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે ત્યારે હવે ફરી એકવાર કોનકોર્ડિયા યુનિવર્સિટીના માસ્ટરના ભારતીય વિદ્યાર્થી રૂપેશ ચિંતકિંદી અમેરિકાના શિકાગોથી ગુમ થતા ભારે ચકચાર મચી ગઈ છે.