બાબા રામદેવની પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ દ્વારા આયોજિત યોગ શિબિરો માટે વસૂલવામાં આવતી ફી પર સર્વિસ ટેક્સ લાદવાનો સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો છે.

બાબા રામદેવના પતંજલિ યોગપીઠ ટ્રસ્ટને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. કોર્ટે એપેલેટ ટ્રિબ્યુનલના નિર્ણયને માન્ય રાખ્યો હતો જેમાં ટ્રસ્ટને યોગ શિબિરોના આયોજન માટે વસૂલવામાં આવતી પ્રવેશ ફી પર સર્વિસ ટેક્સ ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની ખંડપીઠે કસ્ટમ, એક્સાઈઝ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (CESTAT)ની અલ્હાબાદ બેંચના 5 ઓક્ટોબર, 2023ના નિર્ણયમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો.

ટ્રસ્ટની અપીલને ફગાવી દેતાં ખંડપીઠે કહ્યું, “ટ્રિબ્યુનલે યોગ્ય કહ્યું છે કે ફી વસૂલાતા શિબિરોમાં યોગ કરવું એ સેવા છે. અમને આ આદેશમાં દખલ કરવાનું કોઈ કારણ નથી અપીલ ફગાવી દેવામાં આવે છે.” CESTAT એ તેના આદેશમાં જણાવ્યું હતું કે પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ દ્વારા આયોજિત રહેણાંક અને બિન-રહેણાંક યોગ શિબિરોમાં ભાગ લેવા માટે ફી લેવામાં આવે છે, તેથી તે ‘સ્વાસ્થ્ય અને ફિટનેસ સેવા’ની શ્રેણીમાં આવે છે અને તે સેવા કર માટે જવાબદાર છે.
યોગ ગુરુ રામદેવ અને તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણના નેતૃત્વમાં કાર્યરત આ ટ્રસ્ટ વિવિધ શિબિરોમાં યોગની તાલીમ આપવામાં રોકાયેલું હતું. ટ્રિબ્યુનલે તેના આદેશમાં કહ્યું હતું કે યોગ શિબિરોની ફી સહભાગીઓ પાસેથી દાન તરીકે લેવામાં આવી હતી. જો કે આ રકમ દાન તરીકે એકઠી કરવામાં આવી હતી, તે માત્ર ઉપરોક્ત સેવાઓ પૂરી પાડવા માટેની ફી હતી. તેથી તે ફીની વ્યાખ્યા હેઠળ આવે છે.

મેરઠ રેન્જના કસ્ટમ્સ અને સેન્ટ્રલ એક્સાઇઝના કમિશનરે ઓક્ટોબર, 2006થી માર્ચ, 2011ના સમયગાળા માટે દંડ અને વ્યાજ સહિત લગભગ રૂ. 4.5 કરોડના સર્વિસ ટેક્સની માગણી કરી હતી. આના જવાબમાં, ટ્રસ્ટે દલીલ કરી હતી કે તે સેવાઓ પૂરી પાડે છે જે રોગોની સારવાર માટે છે. એવું કહેવામાં આવ્યું હતું કે આ સેવાઓ ‘સ્વાસ્થ્ય અને ફિટનેસ સેવાઓ’ હેઠળ કરપાત્ર નથી.
હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પતંજલિએ આ 4.5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ દ્વારા જાહેરખબરોમાં કરાયેલા દાવા મામલે અગાઉથી જ વિવાદમાં રહયા છે અને સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી હતી ત્યારે હવે તેઓ યોગ શિબિર સર્વિસ ટેક્સ ભરવા મામલે વિવાદમાં આવ્યા છે અને સુપ્રીમ કોર્ટે ટેક્સ ભરવા આદેશ કર્યો છે.