યુએસ સેનાએ ઇરાકની ઇરાકની રાજધાની બગદાદમાં હવાઈ હુમલો કર્યો હતો જેમાં ઈરાન સમર્થિત મિલિશિયાના એક અગ્રણી નેતાનું મોત થયું.
જવાબી કાર્યવાહી વિશે માહિતી આપતા, વોશિંગ્ટનમાં યુએસ સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોને કહ્યું કે એર સ્ટ્રાઇકમાં માર્યા ગયેલા મિલિશિયા લીડર ઇરાકમાં યુએસ સૈન્ય કર્મચારીઓ પર તાજેતરમાં થયેલા હુમલા માટે જવાબદાર હતો.

પેન્ટાગોને કહ્યું કે અમેરિકી સેનાએ હવાઈ હુમલામાં મુશ્તાક જવાદ કાઝીમ અલ જવારીને નિશાન બનાવ્યા હતા.

જવારી હરકત અલ નુજાબા સંગઠનનો નેતા હતો, જે અમેરિકી સૈન્ય કર્મચારીઓ પર હુમલાની યોજના બનાવવા અને તેને ચલાવવામાં સામેલ હતો.
પેન્ટાગોનના પ્રવક્તા મેજર જનરલ પેટ્રિક રાયડરે આ હુમલાને સ્વરક્ષણ હુમલો ગણાવ્યો અને કહ્યું કે હુમલામાં હરકત અલ-નુજાબાનો અન્ય એક સભ્ય પણ માર્યો ગયો.
તેમણે કહ્યું કે હુમલામાં કોઈ નાગરિકને નુકસાન થયું નથી.
કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે સુવિધાઓ પર હુમલો થયો નથી.
રાયડરે જણાવ્યું હતું કે હુમલામાં નિશાન બનાવવામાં આવેલ વ્યક્તિ યુએસ સૈનિકો પર હુમલા માટે જવાબદાર ઈરાની પ્રોક્સી જૂથનો નેતા હતો.

ઉલ્લેખનીય છે કે ઑક્ટોબરમાં ઇઝરાયેલ-હમાસ યુદ્ધ શરૂ થયું ત્યારથી ઇરાક અને સીરિયામાં અમેરિકી દળો પર લગભગ 100 વખત રોકેટ અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકાના ઇરાકમાં 2,500 સૈનિકો અને પડોશી દેશ સીરિયામાં 900 સૈનિકો છે. ઈરાક અને સીરિયામાં ઈરાન સાથે જોડાયેલા લશ્કરી જૂથો ગાઝામાં ઈઝરાયેલના લશ્કરી અભિયાનનો વિરોધ કરે છે અને ગાઝા યુદ્ધ માટે અમેરિકાને જવાબદાર માને છે.

અગાઉ, ઇરાકી પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે પૂર્વી બગદાદમાં નુજાબા મિલિશિયા જૂથના મુખ્યાલય પર ડ્રોને ઓછામાં ઓછા બે રોકેટ છોડ્યા હતા. મિલિશિયાના સૂત્રોએ જણાવ્યું હતું કે રોકેટે કમ્પાઉન્ડમાં એક વાહનને ટક્કર મારી હતી, જેમાં મિલિશિયા કમાન્ડર અને તેના એક સહયોગી સહિત ચાર લોકોના મોત થયા હતા,સૂત્રોએ પણ મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે.

ઇરાકી વડા પ્રધાને મિલિશિયા જૂથ પર યુએસ હુમલાની નિંદા કરી

બીજી તરફ ઇરાકી વડા પ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાનીના સૈન્ય પ્રવક્તાએ લશ્કરી જૂથ પર અમેરિકન હુમલાની નિંદા કરી છે,તેઓએ ઈરાકની સુરક્ષા વ્યવસ્થા પર હુમલો ગણાવ્યો છે.
ઈરાકના વડા પ્રધાન સુદાનીને ઈરાન સમર્થિત મિલિશિયા જૂથોનું સમર્થન છે,જેણે તેને એક વર્ષ પહેલા ઈરાકમાં સત્તા પર આવવામાં મદદ કરી હતી.

ઇરાકી મિલિશિયા કમાન્ડરોએ બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી

સ્થાનિક ઈરાકી મિલિશિયા કમાન્ડર અબુ અકીલ અલ-મૌસાવીએ કહ્યું કે અમે બદલો લઈશું અને અમેરિકાને આ હુમલાનો જવાબ આપીશું.