અમેરિકામાં અલાસ્કા એરલાઈન્સની બોઈંગ 737-9 મેક્સ ફ્લાઈટ સાથે શનિવારે સદનસીબે મોટો અકસ્માત થતાં રહી ગયો.
પોર્ટલેન્ડથી ઓન્ટારિયો, કેલિફોર્નિયા જતું પ્લેન ટેકઓફ કર્યા બાદ 16.32 હજાર ફૂટની ઉંચાઈએ પહોંચ્યું ત્યારે પ્લેનનો ઈમરજન્સી એક્ઝિટ ડોરની પેનલ તૂટવા સાથે અચાનક જ દરવાજો ખુલી જતા ભારે ગભરાટ ફેલાયો હતો.
દરવાજો ઉખડી જવાને કારણે બાજુની સીટ પર બેઠેલા બાળકનો શર્ટ ફાટી ગયો હતો અને બહારની તરફ ખેંચાઈ રહેલા બાળકને તેની માતાએ પ્લેનમાંથી પડતા બચાવી લીધો હતો,અમુક મુસાફરોના ફોન હવામાં ઉડી ગયા હતા.
આ પ્લેનનું પોર્ટલેન્ડ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

આ ઘટના બાદ એરલાઈન્સે તમામ બોઈંગ 737-9 એરક્રાફ્ટની ઉડાન પર પ્રતિબંધ લગાવી દીધો છે.
અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને બોઇંગના 737 મેક્સ 9 વિમાનની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. આ પછી જ આ વિમાનોની ઉડાન શરૂ થઈ શકશે.
દરમિયાન, ભારત પણ આ ઘટના બાદ એલર્ટ થઈ ગયું છે અને ઉડ્ડયન નિયમનકાર DGCA એ બોઇંગ 737-8 મેક્સ પ્લેનના ઇમરજન્સી એક્ઝિટ ડોરનું નિરીક્ષણ કરવા સૂચના આપી દીધી છે.
અમેરિકામાં બોઇંગ 737 મેક્સ 9 એરક્રાફ્ટના ઉપયોગ પર અસ્થાયી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ એવિએશન રેગ્યુલેટર્સ દ્વારા લગાવવામાં આવ્યો છે. આ ઓર્ડર લગભગ 171 બોઇંગ 737 મેક્સ 9 એરક્રાફ્ટને અસર કરશે. અલાસ્કા એરલાઇન્સના બોઇંગ 737-9 મેક્સ એરક્રાફ્ટ સાથે જોડાયેલી ઘટનાને ધ્યાનમાં રાખીને આ સૂચના આપવામાં આવી છે.
અલાસ્કા એરલાઇન્સની ફ્લાઇટ દરમિયાન બોઇંગ 737-9 શ્રેણીના એરક્રાફ્ટના એક દરવાજાના મુખ્ય ભાગને નુકસાન થયું હતું.
એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ શનિવારે સ્થાનિક એરલાઈન્સને તેમના કાફલામાં સમાવિષ્ટ તમામ ‘બોઈંગ 737-8 મેક્સ’ એરક્રાફ્ટના ઈમરજન્સી એક્ઝિટ ગેટનું તાત્કાલિક નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો હતો.