અમેરિકાએ અરુણાચલ પ્રદેશ પર ચીનના દાવાને ફગાવી દીધો છે. અમેરિકાએ કહ્યું કે અમે એકપક્ષીય રીતે સરહદમાં કોઈપણ ફેરફારનો સખત વિરોધ કરીશું.
વાસ્તવમાં, તાજેતરમાં પીએમ મોદીએ અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી અને ત્યાં સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું ત્યારે ચીને અરુણાચલ ઉપર પોતાનો દાવો કરી એક નિવેદન જારી કરીને વડાપ્રધાનની મુલાકાતનો વિરોધ કર્યો હતો તેની વળતી પ્રતિક્રિયામાં અમેરિકાએ અરુણાચલ ઉપરના ચીનના દાવાને ફગાવી દઈ ભારતને સમર્થન કર્યું છે.
બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા વેદાંત પટેલે જણાવ્યું હતું કે અમેરિકા અરુણાચલ પ્રદેશને ભારતનો ભાગ માને છે અને અમે એકપક્ષીય કાર્યવાહી, લશ્કરી અથવા નાગરિક દ્વારા LAC પર કોઈપણ પ્રકારના ફેરફારની વિરુદ્ધ છીએ.
પીએમ મોદીની અરુણાચલ પ્રદેશની મુલાકાત પર, ચીનના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે ઝિચાંગ (તિબેટ માટે ચીનનું નામ) ચીનનો અભિન્ન ભાગ છે અને ચીન અરુણાચલ પ્રદેશ પર ભારતના કથિત કબજાને ક્યારેય સ્વીકારશે નહીં.
ચીન અરુણાચલ પ્રદેશને તિબેટનો ભાગ માને છે.
જો કે ચીનના નિવેદન બાદ ભારતીય વિદેશ મંત્રાલયે પણ ચીનને કડક શબ્દોમાં જવાબ આપ્યો હતો,ભારતીય વિદેશ મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે ચીનના સંરક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે વાહિયાત છે. અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ હતો, છે અને રહેશે.
આમ,અરુણાચલ ઉપર ચીને કરેલા દાવાને ભારત અને અમેરિકાએ ફગાવ્યો છે અને તેને ભારતનો હિસ્સો ગણાવ્યો હતો.