અમેરિકા અને બ્રિટને ફરી એકવાર યમનના હુતી સંગઠનને નિશાન બનાવ્યું છે.
બંને દેશના હવાઈ દળો દ્વારા સોમવારે મોડી રાત્રે આઠ હુતી સ્થાનો પર હવાઈ હુમલા કર્યા હતા.
યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ હુમલો લાલ સમુદ્રમાં વેપારી જહાજોને નિશાન બનાવવાની હુતીઓની ક્ષમતાને સંપૂર્ણપણે નષ્ટ કરવા માટે કરવામાં આવ્યો છે.

લાલ સમુદ્રમાં હુતીઓ દ્વારા વિવિધ દેશોના જહાજો પર હુમલા કરવામાં આવી રહયા હોય હવે અમેરિકાના નેતૃત્વમાં પશ્ચિમી દેશોની સેના સક્રિય થઈ ગઈ છે. છેલ્લા 12 દિવસમાં હુતીઓને પાઠ ભણાવવા માટે હુતીસંગઠન પર આ આઠમો હુમલો કરવામાં હતો.
આ હુમલાઓમાં હુતી સંગઠનની ઘણા ભૂગર્ભ હથિયારોના સંગ્રહસ્થાનો નાશ પામ્યા હોવાના અહેવાલ છે પરિણામે હુતીઓની મિસાઈલ અને ડ્રોનની ક્ષમતાને ભારે નુકસાન થયું છે.

નોંધનીય છે કે અમેરિકા ઉપરાંત બ્રિટન, ઓસ્ટ્રેલિયા, બહેરીન, કેનેડા અને નેધરલેન્ડ પણ હુતીઓ વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે.
આ દેશો દ્વારા જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હુમલા માત્ર હુતીઓની ક્ષમતાઓને નષ્ટ કરવા માટે કરવામાં આવ્યા હતા.

યમનની સત્તાવાર સબાહ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે હુમલા યમનની રાજધાની સના અને દેશના અન્ય કેટલાક સ્થળોએ થયા હતા. તે જ સમયે, હુથિસની ટીવી ચેનલ અલ-મસિરાહે કહ્યું કે યમનમાં અલ-દૈલામી લશ્કરી મથકને નિશાન બનાવવામાં આવ્યું હતું. અહીં ચાર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે હુતીઓએ સોમવારે સવારે યમનના દરિયાકાંઠાના વિસ્તારમાં અમેરિકન કાર્ગો જહાજને નિશાન બનાવ્યું હતું.
આમ,હુતીઓની લાલ સમુદ્રમાં વધતી દાદાગીરી સામે હવે અમેરિકા અને બ્રિટને હુમલા શરૂ કર્યા છે.