ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના મામલામાં અમેરિકાએ ફરી એકવાર નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે તે આ મામલામાં ભારત સાથે જોડાયેલુ રહેશે.
અમેરિકાના ઉપ વિદેશમંત્રી રિચાર્ડ આર વર્માએ મંગળવારે 20મી ફેબ્રુઆરીના રોજ કહ્યું કે ગુરુપતવંત સિંહ પન્નું ને મારવાના નિષ્ફળ કાવતરામાં ભારતીય અધિકારીની કથિત સંડોવણી મામલાની તપાસમાં અમેરિકા જોડાયેલું રહેશે અને ભારતીય સમિતિના તારણોની રાહ જોઈ રહ્યું છે.
રિચર્ડ વર્માએ ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ORF) ખાતે એક સત્ર દરમિયાન પન્નુ પરના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, “અમે અમારી ચિંતાઓ ભારત સરકાર સમક્ષ રજૂ કરી હતી.” આ મામલાની તપાસ કરવા માટે એક તપાસ સમિતિ છે અને અમે (ભારત) સરકાર સાથે જોડાયેલા રહીશું અને તેમના તારણોની રાહ જોઈશું. તેઓએ (ભારતે) તેને ખૂબ જ ગંભીરતાથી લીધો છે.
ઉલ્લેખનીય છે કે રિચર્ડ વર્મા 2015-17 દરમિયાન નવી દિલ્હીમાં યુએસ એમ્બેસેડર તરીકે સેવા આપી ચુક્યા છે.
તેમણે કહ્યું કે ભારતીય પક્ષે આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લીધો છે, તેમણે એમ પણ કહ્યું કે દરેક મોરચે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખુબજ સારા રહયા છે જેની લોકો થોડા વર્ષો પહેલા કલ્પના પણ કરી શકતા ન હતા.
મહત્વનું છે કે ભારતે ખાલિસ્તાન સમર્થક ગુરપતવંત સિંહ પન્નુને આતંકવાદી જાહેર કર્યા છે અને તેમના સંગઠન શીખ ફોર જસ્ટિસને ગેરકાયદેસર જાહેર કર્યું છે.
નોંધનીય છે કે ગયા વર્ષે નવેમ્બરમાં, યુએસ પ્રોસિક્યુટર્સે મેનહટન કોર્ટમાં આરોપ લગાવ્યો હતો કે નિખિલ ગુપ્તા નામના ભારતીય નાગરિકે, એક અજાણ્યા ભારતીય અધિકારીની સૂચના પર કામ કરીને, અમેરિકન ધરતી પર પન્નુની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
તેણે આરોપ લગાવ્યો હતો કે નિખિલ ગુપ્તાએ તેના કામમાં મદદ માટે એક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો જેને તે ગુનાહિત સહયોગી માનતો હતો. જો કે, ગુપ્તાએ જે વ્યક્તિનો સંપર્ક કર્યો તે યુએસ કાયદા અમલીકરણ સાથે કામ કરતો ગોપનીય સ્ત્રોત હતો.
મહત્વનું છે કે ખાલિસ્તાની આતંકવાદી પન્નુ અમેરિકામાં રહે છે અને તેણે ભારતને ઘણી વખત ધમકીઓ આપી છે. ભારતે જુલાઈ 2020માં નવ લોકોને આતંકવાદી જાહેર કર્યા હતા, પન્નુનું નામ પણ તે યાદીમાં સાતમા નંબરે સામેલ હતું.
ભારતે જુલાઈ 2019 માં UAPA હેઠળ પન્નુના સંગઠન પર પ્રતિબંધ મૂક્યો હતો.