આયુષની અંતિમ વિધિમાં માતા અને બાએ ભારે આક્રંદ સાથે કાંધ આપી

આયૂષનો મૃતદેહ માદરે વતન સિદસર ખાતે સીધો જ કેનેડાથી લાવવામાં આવ્યો હતો. આયુષના અંતિમ સંસ્કારમાં સમગ્ર ભાવનગર પંથકમાંથી લોકો ઉમટી પડ્યા હતા. જોકે એકતરફ જ્યાં જગત આખું મધર્સ ડેની ઉજવણી કરી રહ્યું હતું ત્યાં સિદસર ખાતે આયુષની માતાએ તેને કાંધ આપીને અંતિમ સફરે મોકલ્યો હતો.

સીદસર ગામના વતની અને પાલનપુરના ડીવાયએસપી રમેશભાઇ ડાંખરાનો પુત્ર આયુષ કેનેડામાં અભ્યાસ કરતો હતો. જેની સાતેક દિવસ અગાઉ શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. જેના મૃતદેહને આજે વતન લવાતા આખા ગામના લોકો હિબકે ચઢ્યા હતા. રમેશભાઇના પિતરાઇ ભાઇ નારણભાઇ ડાંખરાએ જણાવ્યું હતું કે પરિવારમાં આયુષ ઉપરાંત તેનો નાનો ભાઇ, માતા-પિતા અને દાદી છે પરંતુ આયુષના આમ અચાનક જવાથી સમગ્ર પરિવાર ભાંગી પડ્યો હતો.

દોઢ દિવસ બાદ આયુષની લાશ પોલીસને મળી
આયુષના અંકલે નારણભાઇએ આજે ભાવનગર ખાતે જણાવ્યું હતું કે તે કોલેજ જવા માટે નીકળ્યો હતો અને એક દિવસ બાદ ઘરે પરત ન આવતા તેના મિત્રોએ શોધખોળ આદરી હતી. ત્યારબાદ તેઓએ પાલનપુર ખાતે DYSP તરીકે ફરજ બજાવતા તેના પિતા રમેશ ભાઇ ડાંખરાને જાણ કરી હતી. તેમણે મિસિંગ કમ્પ્લેઇન નોંધાવવા આયુષના મિત્રોને જાણ કરી હતી, જેથી કેનેડા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેના એક દિવસ બાદ આયુષની લાશ એક બ્રિજ નીચેથી મળી આવી હતી. જોકે તેના પોસ્ટમોર્ટમ અંગે કોઇ માહિતી હજુ સુધી પરિવારજનને મળી નથી. જેથી આ આત્મહત્યા છે કે હત્યા તે અંગે પરિવારે કોઇ માહિતી આપી નહતી.

PMO INDIA-CMO GUJARATથી મળી પરિવારને મદદ
ભાવનગર ખાતે આયુષના અંકલે જણાવ્યું હતું કે પરિવારને ભારતના પ્રધાનમંત્રી કાર્યાલય, મુખ્યમંત્રી કાર્યાલય અને રાજ્યસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તરફતી સહકાર મળ્યો હતો જેથી માત્ર એક સપ્તાહમાં જ મૃતદેહને એર એમ્બ્લુલન્સથી ભારત લાવવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે ગત મહિના મહેસાણાના હર્ષ વિનસભાઇ પટેલનું મોત થયું હતું અને હજુ સુધી પોલીસ તે ઘટનાના આરોપી સુધી કે મૃત્યુના અન્ય તથ્ય સુધી પહોંચી શકી નથી. આ ઉપરાંત બંને યુવકોના મોતમાં પણ કેટલીક સમાન બાબતો જોવા મળી છે. જેમ કે હર્ષ અને આયુષ યોર્ક યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા અને બંને એક દિવસથી વધુ સમય સુધી ગુમ રહ્યા હતા. જ્યાં બંનેના ફોન હજુ પણ ગુમ થયેલા છે.