અમુલના પ્રતિનિધિમંડળના બે સભ્યોએ મહિલા સાથે સેલ્ફી લેવા માટે જબરદસ્તી કરી
શિષ્ટાચાર હંમેશા જ્યાં અગ્રેસર છે તેવા ન્યૂઝીલેન્ડમાં અમુલના પ્રતિનિધિમંડળે નામ બોળ્યું
વિશ્વભરમાં પ્રખ્યાત એવી અમુલ ડેરીનું ડેલિગેશન હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે અને હવે આ પ્રવાસે એક વિવાદને જન્મ આપ્યો છે. કારણ કે ડેલિગેશનમાં સામેલ બે વ્યક્તિઓએ ટ્રેડ ડીલની જગ્યાએ એક મહિલાને સેલ્ફી લેવા માટે જબરદસ્તી કરતા પોલીસ ફરિયાદ સુધી પહોંચી ગયો છે. આ બનાવ બે દિવસ પહેલા બન્યો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે આ ઘટના જ્યારે ઘટી ત્યારે ન્યૂઝીલેન્ડના કૃષિમંત્રી ડેમિયન ઓ’કોનોર પણ હાજર હતા.
ટ્રેડ ડીલ બાજુએ રહી, પોલીસ સાથે ડીલ કરવી પડી
સ્થાનિક મીડિયા સમૂહ ન્યૂઝહબના મતે પ્રતિનિધિમંડળ અહીં સરકારના મંત્રીઓ અને સંભવિત વેપારી ભાગીદારો સાથે કેન્ટરબરીમાં મુલાકાત કરી રહ્યું હતું. જોકે બનાવને પગલે પ્રતિનિધિમંડળને માઠું જોવાનો વારો આવ્યો છે. જે મહિલાએ ફરિયાદ કરી છે તે Ngāi Tahu Farms ની કર્મચારી છે અને આક્ષેપ કર્યો છે કે “ઘટના” સોમવારે એક કાર્યક્રમ દરમિયાન ઘટી હતી. જ્યાં કૃષિ પ્રધાન ડેમિયન ઓ’કોનોર અને કૃષિ અન્ડર-સેક્રેટરી જો લક્સટન બંને હાજર હતા. તેઓ બંને કહે છે કે તેઓએ કથિત ઘટના જોઈ નથી. પરંતુ કંપની દ્વારા ઘટના બની હોવા અંગે સમર્થન આપ્યું હતું. પરંતુ કર્મચારી અંગે કંઇપણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
ન્યૂઝહબના મતે પ્રાથમિક ઉદ્યોગ મંત્રાલય (MPI) પ્રતિનિધિમંડળને હોસ્ટ કરવામાં મદદ કરી રહ્યું હતું અને કહ્યું છે કે તે આ ઘટનાથી વાકેફ છે, અને સહાયની ઓફર કરવા માટે પોલીસનો સંપર્ક કર્યો છે. આ તરફ અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતા પણ ફરિયાદ નોંધાઇ હોવાની પુષ્ટિ કરી છે. જોકે બીજીતરફ Ngāi Tahu ફાર્મે કહ્યું કે તેઓ વ્યક્તિગત કર્મચારીઓ પર ટિપ્પણી કરવાનું ઉચિત સમજતા નથી.
જોકે આવી અક્ષોભનીય ધટનાને પગલે ડેલિગેશનને નીચું જોવાનો વારો આવ્યો છે અને ન્યૂઝીલેન્ડ જેવા શિષ્ટાચારનો હંમેશા આગ્રહ રાખતા દેશમાં નીચું જોવાનો વારો આવ્યો છે.