અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની દખલ મુદ્દે હક્કાની અને યાકૂબ જૂથમાં સંઘર્ષ ચરમસીમાએ

અખુંદજાદા.
બ્રિટનના એક મેગેઝીને કર્યો દાવો

નમસ્કાર ગુજરાત ન્યૂઝ

અફઘાનિસ્તાનમાં સત્તા મેળવ્યા પછી હવે તાલિબાનમાં આંતરિક સંઘર્ષ ચરમસીમાએ પહોંચી ગયો છે. સત્તાની આ લડાઈમાં તાલિબાનોએ તેના જ સુપ્રીમ લીડર અખુંદજાદાની હત્યા કરી નાંખી છે અને નાયબ વડાપ્રધાન મુલ્લા અબ્દુલ ગની બરાદરને બંધક બનાવી લેવાયા હોવાનો બ્રિટનના એક મેગેઝીને દાવો કર્યો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોની ઈસ્લામિક અમિરાત સરકારમાં આંતરિક સંઘર્ષનું મૂળ કારણ પાકિસ્તાન છે. તાલિબાનોના સંસ્થાપક મુલ્લા ઉમરના પુત્ર અને વર્તમાન સંરક્ષણ મંત્રી મુલ્લા મોહમ્મદ યાકુબનું જૂથ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની દખલ નથી ઈચ્છતું જ્યારે હક્કાની જૂથ પાકિસ્તાનના પ્રભુત્વ હેઠળ કામ કરવા માગે છે.

બ્રિટનના મેગેઝીને દાવો કર્યો છે કે તાલિબાનની ઈસ્લામિક અમિરાત સરકારના સુપ્રીમ લીડર હિબતુલ્લાહ અખુંદજાદાને ઘણા સમયથી કોઈએ જોયો નથી અને તેનો સંદેશો પણ જાહેર કરાયો નથી. તાલિબાનોમાં હાલ ચાલી રહેલો આંતરિક સંઘર્ષ પહેલા ક્યારેય જોવા મળ્યો નથી. આવા સમયમાં પણ અખુંદજાદાની ગેરહાજરીએ અનેક સવાલો ઊભા કર્યા છે.

તાલિબાન સરકારના સંરક્ષણ મંત્રી મુલ્લા યાકૂબનું કંદહારી જૂથ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈની કોઈ દખલ ઈચ્છતું નથી. જ્યારે આઈએસઆઈ અફઘાનિસ્તાનને પાકિસ્તાનના કબજાવાળા ક્ષેત્રના રૂપમાં રાખવા માગે છે. આઈએસઆઈનું હક્કાની જૂથ પર પ્રભુત્વ છે. પરીણામે યાકૂબનું જૂથ કંદહારમાંથી સંચાલન કરી રહ્યું છે જ્યારે હક્કાની જૂથે કાબુલ પર પક્કડ જમાવી છે. આઈએસઆઈનું ગુલામ હક્કાની નેટવર્ક સરકારમાં કોઈપણ અન્ય સમાજની સત્તામાં ભાગીદારી ઈચ્છતું નથી. તેણે તેમની સરકારમાં મહિલાઓની ભાગીદારી પહેલાંથી જ ફગાવી દીધી છે. હાલ હક્કાની નેટવર્ક સંપૂર્ણપણે આઈએસઆઈના ઈશારે ચાલી રહ્યું છે.