બે હજારની નોટોના 30-40 બંડલ તળાવમાંથી મળી આવ્યા
અજમેર
શુક્રવારની બપોરે અજમેરના (Ajmer) ઐતિહાસિક અનાસાગર (Anasagar) તળાવમાં 2000 રૂપિયાની નોટોના બંડલ તરતા જોઈને લોકો દંગ રહી ગયા હતા. માહિતી મળતાં જ ગંજ પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. પોલીસે નોટો કાઢીને જપ્ત કરી હતી. સાથે જ પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે. આ નોટો નકલી હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ તેના પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જ તેની ખરી પરખ કરવામાં આવશે.
પ્રત્યક્ષદર્શી પ્રકાશે જણાવ્યું કે તે અને તેનો મિત્ર તળાવના કિનારે ફરતા હતા. અચાનક પ્લાસ્ટીકની કોથળીમાં બાંધેલી બે હજારની નોટોના બંડલ તળાવમાં ડૂબતા જોવા મળ્યા.આટલી નોટો જોઈને પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેણે ગંજ પોલીસ સ્ટેશનમાં આની જાણ કરી હતી. માહિતી આપતા ગંજ પોલીસ સ્ટેશનના એએસઆઈ બલદેવ સિંહે જણાવ્યું કે 2,000 રૂપિયાની નોટોના બંડલ પ્લાસ્ટિકની થેલીમાં બાંધેલા હતા. આ નોટો નકલી છે જોકે તપાસ બાદ જ તેનો વધુ ખ્યાલ આવશે. કયા તોફાની તત્વોએ આ નોટ ફેંકી હોઇ શકે છે અને તે દિશામાંતપાસ કરવામાં આવી રહી છે. હાલ પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ સ્કેન કરી રહી છે. તો પોલીસના કહેવા મુજબ બે હજારની નોટના બંડલ 30 થી 40ના છે! વધુ પડતી ભીનાશને કારણે નોટો સંપૂર્ણ રીતે ઓગળી ગઈ છે, સૂકાયા બાદ નોટોની ગણતરી કરવામાં આવશે. સાથે જ જો પ્રત્યક્ષદર્શીઓની વાત માનીએ તો આ કરોડો રૂપિયાની નકલી નોટો છે. રબરથી બાંધેલી લગભગ 3 થી 4 પોલીથીન બેગમાં નોટોને તળાવમાં ફેંકવામાં આવી છે.