ગુજરાતમાં આવેલા ગિરનાર પર્વતના શિખર સ્થિત પાંચમી ટેકરી ઉપર આવેલા તીર્થને લઈ જૈનો અને હિન્દુઓ વચ્ચે છેલ્લા ઘણાજ સમયથી વિવાદ ચાલે છે ત્યારે બે જૈન સંસ્થાઓ દ્વારા હાઈકોર્ટમાં રિટ પીટીશન કરી આ સ્થળ પર ભગવાન નેમીનાથના પગલાં હોવાનો દાવો કર્યો છે.

આ કેસમાં હાઇકોર્ટે રાજય સરકાર અને કેન્દ્ર સરકાર સહિતના સંબંધિત પક્ષકારોને નોટિસ પાઠવી છે જેની વધુ સુનાવણી એપ્રિલમાં થશે.

ગિરનાર પર પાંચમી ટૂંક(ટેકરી) પર જૈનો અને હિન્દુઓ વચ્ચે પોતાના ભગવાન સ્થાપિત હોવાનો દાવો થઈ રહ્યો છે.
જૈનાનો દાવો છે કે તે સ્થળે જૈનોના 22મા તીર્થકર ભગવાન નેમીનાથના પગલાં છે જ્યારે હિન્દુઓ પણ પોતાનો દાવો કરી રહયા છે જેઓ મતે, આ સ્થાનક ભગવાન દત્તાત્રેયના પગલાં છે જે હિંદુઓ માટે ધાર્મિક અને આસ્થાનું પવિત્ર સ્થાન છે.

મહત્વનું છે કે અગાઉ 2004માં આ મામલે પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.

દરમિયાન, જૈન ધર્મ સંરક્ષણ મહાસંઘ અને સકલ દિગમ્બર જૈન સાધર્મી સહયોગ પ્રતિષ્ઠાન સંસ્થા તરફ દ્વારા આ મામલે હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરવામાં આવી હતી. 
જેમાં જણાવાયું હતું કે ગિરનાર પર્વત પરના પાંચમા શિખર પર જૈનોના ભગવાન નેમીનાથના પગલાં અને છાપ છે જેથી પ્રથમ પૂજાનો અધિકાર તેઓને મળવો જોઈએ.
અરજીમાં કહેવાયું હતું કે આ પાંચમું શિખર મૂળ જૈનોનું હતુ અને તેઓ વર્ષોથી ભગવાન નેમીનાથના પગલાંની પૂજા કરતા આવ્યા છે.
અરજદારોએ તેમના આ દાવાના સમર્થનમાં જરૂરી પુરાવા અને દસ્તાવેજી રેકર્ડ પણ રજૂ કર્યા હતા અને જણાવ્યું હતું કે, તેમનું ધાર્મિક અસ્થાનું સ્થાનક હોવા છતાં જૈનોને ધર્મસ્થાનમાં પ્રવેશવા કે દર્શન કરવા દેવામાં આવતા નથી અને ઇરાદાપૂર્વક ભગવાનના પગલાંને ઢાંકી દેવાયા છે. ગુજરાત રાજયએ પ્રાચીન ધાર્મિક આરક્ષિત સ્મારકો અંગેનું જાહેરનામું જારી કર્યું છે, તે પુરાતત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ અંતર્ગત ગિરનાર ખાતેના પાંચમા શિખરને પણ આરક્ષિત સ્મારક તરીકે જાહેર કરાયેલું છે, તેમ છતાં ત્યાં બાંધકામ સહિતની અનઅધિકૃત પ્રવૃત્તિઓ ગેરકાયદે રીતે ચાલી રહી હોવા અંગે અરજદારો તરફથી ધ્યાન દોરવામાં આવ્યુ છે અને પોતાને પૂજા-દર્શનની મંજૂરી આપવા જણાવતા અરજીની રજૂઆત સાંભળ્યા બાદ જસ્ટિસ વૈભવીડી.નાણાવટીએ રાજયસરકાર, કેન્દ્ર સરકાર, ભારતીય પુરાતત્વ વિભાગ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સહિતના સત્તાવાળાઓને નોટિસ પાઠવી તેઓની પાસેથી જરૂરી જવાબ માંગ્યો છે.
આ કેસની સુનાવણી એપ્રિલ માસમાં થશે.