ગુજરાતમાં આવતી કાલે લોકસભા ચૂંટણી છે અને તેના બરાબર એક દિવસ પહેલા અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ ગઈ છે અને વાલીઓ સ્કૂલ ઉપર દોડી ગયા હતા. દિલ્હીને જેમ અમદાવાદમાં પણ સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટની ધમકીના ઈ-મેઈલ મળતા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સ્કૂલો ઉપર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી જોકે, તપાસ દરમિયાન કોઈ વાંધાજનક મળ્યું નથી.
સ્કૂલોમા રશિયન સર્વરમાંથી બ્લાસ્ટની ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યો હોવાનું કહેવાય છે.
વિગતો મુજબ અમદાવાદના ઘાટલોડિયા ખાતે આવેલી આનંદ નિકેતન સ્કૂલ, ચાંદખેડાની કેન્દ્રિય વિદ્યાલય સહિત થલતેજની આનંદ નિકેતન સ્કૂલ સહિત 7 જેટલી સ્કૂલોમાં બૉમ્બ વિસ્ફોટ કરવાની ધમકી મળતા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સાથે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલા દિલ્હી-એનસીઆરની 200 જેટલી સ્કૂલોને પણ આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેસેજ મળ્યા હતા. પોલીસે તપાસ શરૂ કરતા અહીં પણ રશિયન વીપીએનના માધ્યમથી મેઈલ આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતુ. સીબીઆઈ આ મામલે રશિયા સાથે ઈન્ટરપોલના માધ્યમથી કરી ગંભીરતાથી તપાસ શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એક મહિનામાં દેશમાં આ ત્રીજી ધમકી છે.
સુરતના વીઆર મોલમાં બૉમ્બની ધમકી મળ્યા બાદ દિલ્હીની સ્કૂલોમાં ધમકી મળી હતી ત્યારબાદ હવે અમદાવાદમાં સ્કૂલોમાં બૉમ્બની ધમકી મળી છે.
આવતીકાલે ગુજરાતમાં ચૂંટણી હોય પોલીસ વધુ એલર્ટ થઈ છે અને ચેકિંગ હાથ ધર્યું છે.