અમદાવાદમાં આગામી ઓગસ્ટ મહિનામાં મેટ્રો રેલ ફેઝ 1ના થલતેજથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેન શરૂ કરવાની તૈયારી
વસ્ત્રાલથી થલતેજ રૂટમાં 6.53 કિમી અંડરગ્રાઉન્ડ દોડશે મેટ્રો
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
અમદાવાદ મેટ્રોનો સંપૂર્ણ ફેઝ 1 ઓગસ્ટમાં શરૂ થવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદના વિવિધ વિસ્તારમાં અમદાવાદ મેટ્રોનું ટ્રાયલ રન ચાલી રહ્યું છે તેમાં આજે પહેલીવાર સાબરમતિ નદી ક્રોસ કરીને અમદાવાદ મેટ્રોનો નજારો જોવા લોકો વરસાદમાં પણ ઉભા રહી ગયા હતા.. છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદ મેટ્રોનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ઝડપથી શરૂ થવાના એંધાણ હવે અમદાવાદીઓને જોવા મળી રહ્યા છે.
થલતેજથી કાંકરિયા સુધીના મેટ્રોના ટ્રાયલ રનનો વીડિયો વાયરલ
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા થલતેજથી કાંકરિયા સુધીના રૂટ પર મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. સાબરમતી નદી પરથી મેટ્રો ટ્રેન પસાર થઈ હતી, જેનો વીડિયો નાગરિકે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. વર્ષના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાનારી છે અને એ પહેલા અમદાવાદ મેટ્રોના ઘણાં રૂટ શરૂ કરવામાં આવે તેવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કામાં ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધીનો સમાવેશ થાય છે. ગ્યાસપુર ડેપોનું કામ પૂર્ણ થઇ ગયેલ છે તથા મેટ્રો ટ્રેનના ટ્રાયલની શરૂઆત ગ્યાસપુર ડેપોથી જીવરાજ સુધી માર્ચ, 2022માં કરવામાં આવેલ હતી. ત્યાર બાદ તેને લંબાવીને વિજયનગર સુધી ટ્રાયલ કરવામાં આવી હતી. 20 મે 2022ના રોજ ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ હાથ ધરાયું હતું.
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-1 માં બે કોરિડોર
આ ટ્રાયલ દરમિયાન મેટ્રો ટ્રેન APMC, જીવરાજ, રાજીવનગર, શ્રેયસ, પાલડી, ગાંધીગ્રામ, જૂની હાઈકોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર, વાડજ, રાણીપ, એઈસી, સાબરમતી મેટ્રો સ્ટેશનથી પસાર થઈને મોટેરા મેટ્રો સ્ટેશન પર પહોંચી હતી. તમને જણાવી દઇએ કે, અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-1 માં બે કોરિડોર છે. એક નોર્થ-સાઉથ કોરિડોર અને બીજો ઇસ્ટ-વેસ્ટ કોરિડોર છે. નોર્થ-સાઉથ કોરિડોર ગ્યાસપુર ડેપોથી મોટેરા, ઇસ્ટ-વેસ્ટ કોરિડોર થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધી છે.
વસ્ત્રાલથી થલતેજ રૂટમાં 6.53 કિમી અંડરગ્રાઉન્ડ દોડશે મેટ્રો
અંડરગ્રાઉન્ડ રૂટમાં કુલ ચાર સ્ટેશનો તૈયાર કરવામાં આવ્યાં છે, જેમાં કાંકરિયા વેસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘીકાંટા અને શાહપુરથી સાબરમતી રિવરફ્રન્ટ સુધી અંડરગ્રાઉન્ડ રૂટ છે, ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો 21.16 કિમીનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 6.53 કિમી અંડરગ્રાઉન્ડ રૂટ પર મેટ્રો ટ્રેન દોડશે.