સરકારે નવા નિયમોનો પ્રસ્તાવ મૂક્યો, અત્યાર સુધીના નિયમ મુજબ, ઉંમર ગમે તે હોય, ફૂટપાથ પર સાયકલ ચલાવવાની મનાઈ છે

વેલિંગ્ટન: ન્યુઝીલેન્ડના પરિવહન મંત્રી ક્રિસ બિશપે દેશના રોડ-રસ્તાના રોજિંદા નિયમોમાં મોટા ફેરફારો કરવા માટે જાહેર પરામર્શ (Public Consultation) શરૂ કર્યો છે. આ પ્રસ્તાવમાં સૌથી મહત્વનો મુદ્દો 12 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકોને ફૂટપાથ પર સાયકલ ચલાવવાની કાયદેસર મંજૂરી આપવાનો છે. અત્યાર સુધીના નિયમ મુજબ, ઉંમર ગમે તે હોય, ફૂટપાથ પર સાયકલ ચલાવવાની મનાઈ છે.

મંત્રી બિશપે જણાવ્યું હતું કે ઘણા બાળકો અત્યારે પણ ફૂટપાથ પર સાયકલ ચલાવે જ છે, પરંતુ વર્તમાન કાયદો તેમને પરવાનગી આપતો નથી. કાયદાને વાસ્તવિકતા સાથે સુસંગત બનાવવાથી પરિવારો સુરક્ષિત વિકલ્પ પસંદ કરી શકશે. જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે આનાથી વૃદ્ધો અને દિવ્યાંગોને ચિંતા થઈ શકે છે, તેથી બાળકોએ ફૂટપાથ પર પગપાળા ચાલતા લોકોને પ્રાથમિકતા આપવી પડશે અને મર્યાદિત ગતિએ સાયકલ ચલાવવી પડશે તેની જવાબદારી વાલીઓની રહેશે.

આ ઉપરાંત, અન્ય એક મહત્વના પ્રસ્તાવમાં વાહનચાલકો માટે સાયકલ સવારો કે ઘોડેસવારો પાસેથી પસાર થતી વખતે 1 થી 1.5 મીટરનું અંતર (Passing Gap) રાખવું ફરજિયાત બનાવવાની વાત છે. સાથે જ, ઈ-સ્કૂટર્સને સાયકલ લેનનો ઉપયોગ કરવા દેવા અને 60 કિમી/કલાકથી ઓછી ઝડપે ચાલતા વાહનોએ બસ સ્ટોપ પરથી નીકળતી બસોને પહેલા રસ્તો આપવો પડે તેવા નિયમો પણ વિચારણા હેઠળ છે.

ભારે વાહનો (Heavy Vehicles) માટે પણ સરકારે છૂટછાટો જાહેર કરી છે, જેમાં ઈલેક્ટ્રિક ટ્રક અને બસ ચલાવવા માટેના લાયસન્સ નિયમો હળવા કરવા અને વિદેશી હેવી વ્હીકલ લાયસન્સને ન્યુઝીલેન્ડના લાયસન્સમાં બદલવાની પ્રક્રિયા સરળ બનાવવાનો સમાવેશ થાય છે. સરકારનું માનવું છે કે આ ફેરફારો વ્યવહારુ છે અને તેનાથી પરિવહન વ્યવસ્થા વધુ સુગમ બનશે. આ પ્રસ્તાવો પર જનતા પોતાનો અભિપ્રાય NZTA ની વેબસાઇટ પર આપી શકે છે.